Top Newsઆપણું ગુજરાત

ચિંતાજનક UN રિપોર્ટ: વિશ્વના ગીચ શહેરોમાં ગુજરાતના બે શહેરો સામેલ! પ્રતિ ચો. કિમી. 20,000થી વધુ લોકો!

અમદાવાદ: શહેરીકરણ એ આજના સમયની સૌથી વધુ ઘેરી બનતી જતી સમસ્યા છે. શહેરીકરણના કારણે અનેક નવી સમસ્યાઓ પેદા થઈ રહી છે, ત્યારે સંયુક્ત રાષ્ટ્ર (UN) ના આર્થિક અને સામાજિક બાબતોના વિભાગ દ્વારા પ્રકાશિત તાજેતરના ‘વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ 2025’ રિપોર્ટમાં એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 સુધીમાં વિશ્વના ટોપ 10 સૌથી ગીચ વસ્તીવાળા શહેરોમાં ભારતનાં ચાર શહેરોનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાતના બે મહત્ત્વપૂર્ણ શહેરો – સુરત અને અમદાવાદ – પણ સામેલ છે.

ભારતમાં મુંબઈ પ્રથમ સ્થાને

રિપોર્ટ અનુસાર, મુંબઈ લગભગ 27,000 વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટરની ઘનતા સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે સુરત ચોથા ક્રમે અને અમદાવાદ નવમા ક્રમે છે. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે આ તમામ શહેરોમાં પ્રતિ ચોરસ કિલોમીટર 20,000 થી વધુ લોકો વસવાટ કરે છે. વૈશ્વિક સ્તરે, 1 મિલિયન કે તેથી વધુ વસ્તી ધરાવતા 50 સૌથી ગીચ શહેરોમાંથી 31 એશિયામાં છે, જે ઝડપી શહેરીકરણના વલણને દર્શાવે છે.

ગુજરાતમાં મહાનગરો પર દબાણ વધ્યું

UNના આંકડાઓ ગુજરાતના આ બે આર્થિક પાટનગર પર વધતા દબાણ તરફ ધ્યાન ખેંચે છે. અમદાવાદની વસ્તી 1975માં 2.6 મિલિયન હતી, જે 2025માં વધીને 7.6 મિલિયન થવાની સંભાવના છે અને 2050 સુધીમાં તે 8.2 મિલિયન સુધી પહોંચી શકે છે. તેવી જ રીતે, સુરતની વસ્તી 1975માં 1 મિલિયનથી વધીને 2025માં 6.9 મિલિયન થઈ છે અને 2050 સુધીમાં તે 8 મિલિયન થવાનો અંદાજ છે, જે તેને ભારતનું નવમું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનાવશે.

છેલ્લા અનેક વર્ષોમાં જોઈએ તો અમદાવાદ અને સુરત આ બંને શહેરોની હદમાં પણ ખૂબ જ વિસ્તરણ થયું છે. જૂનું શહેર અને નવા શહેર વચ્ચેનું અંતરના આંકડા સતત વધી રહ્યા છે. શહેરના વિસ્તરણનું કારણ છે શહેરની વધતી જતી વસ્તી અને તેના કારણે આગામી સમયમાં પાણી અને વીજળી સહિત વધુ સંસાધનોની જરૂર પડશે. જો કે શહેરી અને આર્થિક વિકાસમાં મોખરાનું સ્થાન ધરાવતા ગુજરાત માટે આ અહેવાલ મહત્વપૂર્ણ છે. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે માત્ર માળખાકીય સુવિધાઓ નહિ પરંતુ સમાવેશીપણું, જીવંતતા અને ગુણવત્તાયુક્ત જીવન પર પણ ધ્યાન કેન્દ્રીત કરવું પડશે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button