
અમદાવાદ: ઉપલેટાના એક 40 વર્ષના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. આ ઘટનાનો વિડીયો પણ બહાર આવ્યો છે જેમાં જોવા મળે છે કે ઉભેલા યુવકને એકાએક છાતીમાં દુખાવો થાય છે અચાનક જ ઢળી પડે છે. જમીન પર પટકાતાં જ લોકો એકઠા થઈ જાય છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડે છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટાના 40 વર્ષીય ઇલિયાસ દેવલા નામના વેપારી કપડાના વેપારી હતા. જીલાની ચોઈસ નામની રેડિમેડ કપડાંની દુકાન ચલાવતા હતા. કપડાંની ખરીદી કરવા માટે થઈને આ વેપારી અમદાવાદ આવ્યા હતા. જ્યારે તેઓ માર્કેટમાં બધા લોકો સાથે ઊભા હતા ત્યાં તેને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
તેવામાં ઇલિયાસે બાજુમાં ઉભેલા એક વ્યક્તિના ખભાનો સહારો લીધો અને પોતાને સાંભળી ન શક્યા અને નીચે પટકાયા. ત્યાં હાજર લોકોએ તેને તુરંત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. મૃત્યુના સમાચાર સાંભળીને પરીવાર પર દુ:ખ પહાડ તૂટી પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ પછી નાની ઉંમરમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુ થવાના કેસ ખુબજ વધ્યા છે.