ગુજરાતમાં જામ્યો અષાઢી માહોલ : આજે 158 તાલુકાઓમાં વરસાદ
ગાંધીનગર: રાજ્યમાં ચોમાસાની (Monsoon 2024) શરૂઆત બાદ અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. આ સાથે જ હાલમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના ભાગરૂપે આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે સુરતના ઉમરપાડામાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે. આજે રાજ્યના 158 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાત પર હાલમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાતથી અને સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મેઘમહેર યથાવત છે. આજે સુરતના ઉમરપાડામાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે કે જ્યાં 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વધુ પડતાં વરસાદ પડી જવાથી જળ બંબાકારની સ્થિતિ સર્જાય ચૂકી છે અને આથી તંત્ર દ્વારા SDRFની ટીમને હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
ઘણા લાંબા સમય બાદ અમદાવાદમાં પણ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. આજે બપોર બાદ શહેરનાં અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ગોતા, ચાંદલોડિયા, ચાંદખેડા, ઘાટલોડિયા, વંદેમાતરમ, નરોડા, નિકોલ, ઈસનપુર, આંબાવાડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અમદાવાદમાં વરસાદથી પાણી ભરાવા સહિતની અનેક સમસ્યાઓ સર્જાય હતી. શહેરના પૂર્વ વિસ્તારમાં હીરાવાડી, બાપુનગર, કુબેરનગર, સરદારનગર એરપોર્ટ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ભરૂચના નેત્રંગમાં સાત ઇંચ, ગરુડેશ્વરમાં પાંચ ઇંચ જ્યારે અન્ય તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે કરજણ નદીમાં ભારે પૂર આવ્યું હતું. આ સાથે જ ધારિયાધોધ પર સહેલાણીઓને ફરવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે. આ સાથે જ આણંદ શહેર સહિત જિલ્લાના પેટલાદ-તારાપુરમાં પણ મેઘરાજાની બેટિંગ જોવા મળી હતી.