કચ્છમાં ઝાંપટાઃ મોસમનું આ ગણિત કેરીનાં લૂંબે-ઝૂંબે ઉત્પાદનને ખોરવી નાખશે ?
અમદાવાદઃ શનિવારે કચ્છના કેટલાક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ બાદ ગોરંભો અનુભવાયો અને ભચાઉ સહિતના કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. જેમાં ભચાઉ, ચીરઇ, ચોપડવા અને લુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં હતા. દેશના કેટલાક રાજ્યોમાં ભર ઉનાળે વરસાદી વાતાવરણ છે તો વેસ્ટર્ન ડીસ્ટ્રબન્સના પગલે ગુજરાતનાં વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર દર્શાવાઈ રહ્યો છે, હવામાન વિભાગની એક આગાહી પ્રમાણે ગુજરાતમાં આજથી બે ત્રણ દિવસ માટે કેટલાક જિલ્લાઓમાં છાલક-છાંટા-ઝાપટાં પાડવાની વકી છે. રાજ્યના સમૂદ્રી વિસ્તારોમાં ભેજ વાળા વાતાવરણ સાથે ઝાપટાં પડી શકે છે. અને વાદળછાયા વાતાવરણના કારણે ગરમીનો પારો બે થી ત્રણ ડિગ્રી નીચો ઉતરી શકે છે. આ પરિણામે પ્રખર ગરમી કે લૂથી લોકોને બે ત્રણ દિવસ રાહત મળશે તેમ લાગે છે.
આ પણ વાંચો: કેસર કેરીની રાહ જોઈને બેઠા છો? તો આ વાંચી લો
હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અત્યારે બે દિવસ સુધી વાદળ છાયા વાતાવરણના અનુભવથી ભલે અત્યારે બફારો નહીં અનુભવાય પરંતુ બે દિવસ બાદ રાજ્યના નાગરિકોએ બફારાની તૈયારી રાખવી પડશે. રવિ અને સોમવાર આસપાસ કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠા જેવા સરહદી વિસ્તારોમાં ઝાપટાં પાડવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી જ છે. અત્યારે જે બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં રાહત અનુભવાઈ રહી છે તો બે દિવસ બાદ ત્રણથી ચાર ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ વ્યકત કરાઇ છે. આ જ કારણ છે કે રાજ્યમાં બફારાનું પ્રમાણ વધશે.
સૌરાષ્ટ્ર-કચ્છની કેસરને નુકસાન ?
ગરમીની સિઝન શરૂ થતાં જ સ્વાદના રસિયાઓને વલસાડી હાફૂસ, આલ્ફાઞ્જો,કે ગીરની કેસર સાથે કચ્છની મધ મીઠી કેસરના સ્વાદના ચટકાની આતુરતા હોય છે. છેલ્લા ત્રણેક વર્ષથી કમોસમી વરસાદ, તૌકતે વાવાજોડું,અને ત્યાર બાદ દર વર્ષે કેરીની સિઝન પહેલા આવતા કમોસમી વરસાદે કેરીનાં પાકનું ઉત્પાદન તો બગાડ્યું જ પણ કેરીના સ્વાદની મજા પણ મારી નાખી હોવાની ફરિયાદ થાય છે. ઊલટાનું બજારમાં ભાવ પણ સિઝન જતાં સુધી ઊંચા રહ્યા છે.
આ વર્ષે પણ એપ્રિલમાં વાતાવરણ ડહોળાયેલું છે અને હજુ પણ કમોસમી વરસાદની સંભાવના જોવાઈ રહી છે ત્યારે વલસાડથી માંડીને ગીર સુધી અને ત્યાંથી કચ્છ સુધી કેરીનું ઉત્પાદનને અસર થશે. કેરીનાં પાકને જે જરૂરી ગરમી મળવી જૌઈએ તે પ્રતિકૂલ હવામાનના કારણે ના મળી રહેતી હોવાથી પાક બગડી જાય છે અને કમોસમી વરસાદ-પવન ના કારણે કેરી ખરી પડી છે અથવા તો બગડી જતી હોય છે.
હવમાન વિભાગના વરતારા પ્રમાણે આજ કાલમાં જ વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની આગાહી કરાઇ છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
કુલ મળીને કમોસમી માવઠું, કેરીનાં ઉત્પાદન સાથે સ્વાદ રસિકોને પણ નિરાશ કરી શકે છે