ગુજરાતમાં માવઠાનો માર : કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી; આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ

ગાંધીનગર : ગુજરાતમાં પડી રહેલી કાળજાળ ગરમીની વચ્ચે રાજ્યના વાતાવરણમાં પલટો (Gujarat Weather) આવ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સહિત રાજ્યના તમામ ભાગોમાં કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવનની આંધીઓ સાથે ગઇકાલે 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગઇકાલે પડેલા વરસાદમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડવાની આગાહી (Gujarat Weather Forecast) વ્યકત કરી છે.
વરસાદમાં બે લોકોના મોત :
સોમવારે રાજ્યમાં પડેલા વરસાદના કારણે બે લોકોના મોત નિપજ્યા છે. જેમાં એકનું મોત વીજળી પાડવાના કારણે તો અન્યનું મોત કાચું મકાન પડવાથી થયું હતું. અરવલ્લીમાં માલપુરના જીતપુર ગામે બાઇક પર જતાં ખેડૂતનું વીજળી પડવાથી મોત થયું છે, તો હિંમતનગરના આગીયોલમાં કાચું ઘર પડતાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે.
આગામી ત્રણ દિવસ પણ પડશે વરસાદ :
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પાડવાની સંભાવના છે. આજે ગુજરાતના 10 જિલ્લાઓ પર માવઠાનું સંકટ મંડાઇ રહ્યું છે. 5થી 10 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી છે. સમગ્ર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં પણ વરસાદ પડવાના એંધાણ છે.
આગામી ત્રણ દિવસ ખેડૂતોની ચિંતા વધારશે :
આગામી 14 મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પાડવાની આગાહી છે. તો 15 મીએ અરવલ્લી,ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 16મીએ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી છે.