Top Newsઆપણું ગુજરાત

ગુજરાતમાં ઓક્ટોબરે ૨૪ વર્ષનો રેકોર્ડ તોડ્યો! સામાન્ય કરતાં ૫ ગણો વધુ વરસાદ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ…

અમદાવાદ: ચાલુ વર્ષે ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં થયેલો કમોસમી વરસાદ છેલ્લા બે દાયકાનો વિક્રમ તોડનારો સાબિત થયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના આંકડાઓ અનુસાર, રાજ્યમાં ૧ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન સરેરાશ ૮૯ મિ.મી. વરસાદ નોંધાયો, જે ઓક્ટોબરના સામાન્ય વરસાદ ૨૦.૪ મિ.મી. કરતાં ૪.૫ ગણો વધારે છે.

IMDના આંકડા મુજબ, ઓક્ટોબરમાં આટલો ભારે વરસાદ છેલ્લે ૧૯૯૯માં નોંધાયો હતો, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ૯૨.૯ મિ.મી. વરસાદ થયો હતો. ૧૯૦૧થી અત્યાર સુધીના ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે ઓક્ટોબર મહિનામાં આ પ્રકારનો ભારે વરસાદ એક અસામાન્ય ઘટના છે.

પ્રાદેશિક આંકડાઓ પર નજર કરીએ તો, ઓક્ટોબરમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં ૯૧.૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે આ વિસ્તારના સામાન્ય ૧૯.૦ મિ.મી. વરસાદ કરતાં લગભગ પાંચ ગણો વધુ છે. જ્યારે ગુજરાત પ્રદેશમાં ૮૬.૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય ૨૨.૩ મિ.મી. કરતાં ચાર ગણો વધુ છે. IMDના ડેટા મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મુખ્યત્વે છ શહેરો અને નગરોમાં, જેમાં કંડલા, મહુવા, વેરાવળ અને ઓખાનો સમાવેશ થાય છે, અહીં ઓક્ટોબરનો વરસાદ અત્યાર સુધીના ટોચના ૧૦ વરસાદી રેકોર્ડમાં સામેલ છે.

IMDના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ અસામાન્ય વરસાદનું કારણ ચોમાસું સમાપ્ત થયા બાદ અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં તે જ સમયે વિકસેલું ચક્રવાતી પરિભ્રમણ હતું. આ સિસ્ટમ એક સપ્તાહથી વધુ સમય સુધી મજબૂત રહેતા ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ઘણા ભાગોમાં સતત વરસાદ ખાબક્યો હતો. આ સાથે, ચાલુ વર્ષે રાજ્યમાં પાંચ મહિના સુધી નોંધપાત્ર વરસાદની મોસમ રહી હતી.

આ કમોસમી વરસાદે રાજ્યના અનેક ક્ષેત્રોને માઠી અસર પહોંચાડી છે. ખેતીવાડી પર તેની વ્યાપક અસર થઈ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મગફળીની સીઝન ખેડૂતોના હાથમાંથી જતી રહી છે અને કપાસના પાકમાં પણ મોટાપાયે નુકસાન થયું છે. આ ઉપરાંત, આરોગ્ય નિષ્ણાતોના મતે, સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે વાયરલ ચેપ સંબંધિત રોગોમાં પણ વધારો થયો છે.

આ પણ વાંચો…સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાની ‘બેટિંગ’ બાદ ગુજરાતમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદની આગાહી!

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button