ગુજરાતના અમુક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો
ગાંધીનગર: ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. કમોસમી વરસાદથી પાકને નુક્સાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં અગાઉ વરસાદની આગાહી થઈ હતી તે પ્રમાણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ચોમાસા જેવી સ્થિતિ છે. અહીં ઘણા વિસ્તારોમાં માવઠું પડ્યું છે. સ્વાભાવિક રીતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પાક સાચવવો કઈ રીતે તે સમજાતું નથી. જોકે, બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં થોડો ઘણો ફેરફાર જણાતો હતો ત્યારે અગાઉ પણ આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે દેશના ઘણા ભાગોમાં આજે અને આવતીકાલે વરસાદ આવવાની શક્યતા હતી.
આજે વહેલી સવારે ગુજરાતના અમુક વિસ્તારોમાં વાદળો મંડારાયા હતા અને અમુક શહેરોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. આ વચ્ચે ઠંડીમાં પણ વધારો નોંધાયો હતો. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.
મળતા અહેવાલો અનુસાર મોડી રાત્રે મુળાની કાપડી ગજાપુરા કાંટો સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવ લાવારીયા કાકલપુર સહિતના ગામોમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. ઘાસચારો ખુલ્લામાં હોવાથી ખેડૂતોએ તેને ઢાંકવા માટે પ્રયાસ કર્યો પરંતુ અમુક જગ્યાએ તે શક્ય બન્યું ન હતું. જો કે ઘઉંના પાકને હાલ રાહત છે જ્યારે તુવેર કપાસ અને સૂકા ઘાસચારામા નુકસાન થવાની ભીતિ છે. મૂડી રાત્રે અને વહેલી સવારે ભારે ઝાપટા સાથે વરસાદ ખાબકતા તંત્ર પણ કામે લાગ્યું છે. દાહોદના અમુક વિસ્તારોમાં પણ વરસાદ પડ્યાના અહેવાલો છે .આજે અને આવતીકાલે વરસાદી વાતાવરણ રહે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે ઠંડીનો ચમકારો પણ વધ્યો હોય તેમ લાગી રહ્યું છે.