ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે કરી માવઠાની આગાહી! જાણો કયા જિલ્લામાં થશે માવઠું?

અમદાવાદઃ ગુજરાતના હવામાનમાં ફેરફાર થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતનાં જિલ્લામાં માવઠું પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
31મી માર્ચથી બદલાશે વાતાવરણ
હાલ ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચો ચઢી રહ્યો છે અને આકરી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે આ સમયે ખેડૂતોની ચિંતા વધારનારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યનાં હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ગુજરાતનાં જુદા જુદા જિલ્લાનાં વાતાવરણમાં પરિવર્તન આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 31મી માર્ચનાં રોજ નર્મદા અને તાપી જિલ્લામાં માવઠું થઈ શકે છે.
અનેક જિલ્લામાં માવઠાની આગાહી
1 એપ્રિલનાં રોજ સૌરાષ્ટ્રનાં ભાવનગર અને અમરેલી તેમજ દક્ષિણ ગુજરાતનાં વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, છોટા ઉદેપુર સહિતનાં જિલ્લામાં માવઠું થવાની આગાહી છે. તેમજ 2 એપ્રિલનાં રોજ સૌરાષ્ટ્રનાં ભાવનગર, અમરેલી ઉપરાંત ગીર સોમનાથ, બોટાદ તેમજ વલસાડ, ડાંગ, તાપી, નવસારી, સુરત, નર્મદા, છોટા ઉદેપુર,ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
ત્યારબાદ વધશે ગરમી
તે ઉપરાંત 3 એપ્રિલનાં રોજ નર્મદા અને તાપી જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ભારતથી આવતા ઠંડા પવનોના કારણે ગરમીમાં સામાન્ય ઘટાડો થયો હતો પરંતુ તે પસાર થઈ જવાથી તાપમાનનો પારો ઊંચો જવાની આગાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :ગુજરાતમાં એપ્રિલના આકરા મંડાણ થશે, તાપમાનનો પારો 40 ડિગ્રી પાર કરશે!
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ લેટેસ્ટ આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ભારે પવનના ફુંકાશે. સમુદ્ર કિનારે પણ વરસાદ અને મેઘ ગર્જના સાથે ભારે પવન ફૂંકાશે. 29 અને 30 માર્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. લગભગ સામાન્ય પવન 10થી 15 કિમી ઝડપે પવન ફૂંકાશે. દરિયાઇ વિસ્તારમાં 40 કિમી ઝડપે પવનની ગતિ રહેશે. બંગાળના સાગરમાં સીઝનનું પ્રથમ સાઇક્લોન હળવા પ્રકારનું બનશે. અરબ સાગરના ભેજના કારણે 10 એપ્રિલ સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં હવામાનમાં પલટો આવશે.
દક્ષિણ ગુજરાતના ભાગો જેમ કે નવસારી,સુરત આસપાસના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. દક્ષિણ સૌરાષ્ટ્ર, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવશે. ગુઆ વખતે જેટધારા દક્ષિણ તરફ રહેવાના કારણે અરબસાગરમાં તેની અસર થશે અને ભેજના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંતથી 10 એપ્રિલ સુધીમાં મોટો બદલાવ આવશે. તેમજ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.