ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર! વીજળી પડવાથી 20 લોકોના મોત, એલર્ટ જારી
અમદાવાદઃ ગુજરાતમાં અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં વીજળી પડવાથી 20 લોકોના મોત થયા છે. અધિકારીઓએ સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતના વિવિધ ભાગોમાં વીજળી પડવાની ઘટનાઓ નોંધાઈ છે. આમાં ઘણાના મોત થયા છે. ગુજરાતમાં દાહોદમાં વીજળી પડવાને કારણે સૌથી વધુ ચાર મૃત્યુ થયા છે. આ ઉપરાંત વીજળી પડવાથઈ ભરૂચમાં ત્રણ, તાપીમાં બે અને અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, બોટાદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં એક-એક લોકોના મૃત્યુ થયા છે. આ દુઃખદ જાનહાનિ પર શોક વ્યક્ત કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તમામ મદદનું વચન આપ્યું છે. સ્થાનિક પ્રશાસન હાલમાં રાહત અને બચાવ કાર્ય કરી રહ્યું છે.
‘ગુજરાતના વિવિધ શહેરોમાં ખરાબ હવામાન અને વીજળી પડવાને કારણે અનેક લોકોના મોતના સમાચારથી હું ખૂબ જ દુ:ખી છું. આ આફતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેઓના અપાર નુકસાન પર હું ઊંડો શોક વ્યક્ત કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર રાહત પ્રયાસોમાં વ્યસ્ત છે, ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટી તંત્ર રાહત કાર્ય કરી રહી છે,’ શાહે X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.
https://x.com/AmitShah/status/1728821598600515736?s=20
ગુજરાતના સુરત, સુરેન્દ્રનગર, ખેડા, તાપી, ભરૂચ અને અમરેલી જિલ્લામાં 16 કલાકમાં 50-117 મીમી વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારથી વરસાદમાં ધીમે ધીમે ઘટાડો થવાની આગાહી કરી છે.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં પણ ઘણી જગ્યાએ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હતા. જેના કારણે ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયું છે. નાશિકના નિફાડ, લાસલગાંવ, મનમાડ, ચાંદવડ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોને દ્રાક્ષ અને ડુંગળીની ખેતીમાં મોટું નુકસાન થવાની ભીતિ છે. દરમિયાન, નાસિકના ગંગાપુર ડેમમાંથી જાયકવાડીમાં પાણી છોડવાથી ગોદાવરી નદીના જળસ્તરમાં વધારો થયો છે.