Gujarat Rain: ગુજરાતમાં ભરઉનાળે અષાઢી માહોલ, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ સાથે કરા વર્ષા
અમદાવાદ: ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે કમોસમી વરસાદ થતાં કાળઝાળમાં ગરમીથી ત્રસ્ત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યમાં આજે બપોર બાદ અમદાવાદ, ગાંધીનગર, નર્મદા, નવસારી, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ, દાદરા નગર હવેલી સહિતના કેટલા જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની શરૂઆત થઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં સુસવાટા પવન સાથે વરસાદ અને કરાં વર્ષા પણ થઈ છે. આ વર્ષે રાજ્યમાં પાંચ મહિનામાં આ ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયુ છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. આકાશમાં વરસાદી વાદળો સાથે ક્યાંક મધ્યમ તો ક્યાંક કરાં સાથે ભારે વરસાદ પડ્યો છે. આકરી ગરમી વચ્ચે વરસાદ આવતાં લોકોને ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ ખેતીના પાકમાં નુકસાનની ભીતિને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આકાશમાં વરસાદી વાદળો સાથે શહેર સહિત ગ્રામ્ય પંથકમા ધીમીધારે વરસાદ વરસ્યો હતો. ક્યાંક મધ્યમ તો ક્યાંક વરસાદના અમીછાંટણા થયા હતા. વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પલળી ગયા હતા. લીમડી નગર સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
અમદાવાદમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે-સાથે ધૂળની ડમરીઓ પણ ઊડી રહી છે અને વાતાવરણ તથા કેટલાક વિસ્તારમાં વરસાદી વાદળ જામ્યાં છે. અમદાવાદમાં ભારે પવન અને ધૂળની ડમરીઓ ઊડતાં ઝીરો વિઝિબિલિટિને કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જજીસ બંગલો, સેટલાઈટ, ગુરૂકુળ,પકવાન સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થતાં હોર્ડિગ્સ પણ ફાટી ગયાં હતાં, અનેક જગ્યાએ પતરાં પણ નીચે પડ્યાં હતાં. શહેરના ગોતા, એસ.જી.હાઈવે, વૈષ્ણોદેવી, જગતપુર અને પાલડી જેવા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે, તો શાહીબાગ, રિવરફ્રન્ટ અને સરદારનગર સહિતના વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે.
ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ જોવા મળ્યો છે. સાબરકાંઠા, હિંમતનગરમાં વાવઝોડા જેવા ભારે પવન સાથે વરસાદી માહોલ છવાયો છે. ખેડબ્રહ્માના દામવાસ કંપા ,લક્ષ્મીપુરા વિસ્તારમાં કરા સાથે વરસાદનું આગમન થયું છે. ઈડરના બોલુન્દ્રા, મોટા કોટડા અને પોશીના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ આવ્યો છે. ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યુ. શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પતરા ઉડ્યા છે.
ભાવનગર જિલ્લાના શિહોર પંથકમાં સણોસરા સહિત આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેને કારણે ઊભા ઉનાળુ પાકને માઠી અસર થવા પામી છે. સૂત્રો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા પંથકમાં પણ મિનિ વાવાઝોડું આવ્યા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને લીધે કેરીના પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે. અંતિમ તબક્કાની આવતી કેરીઓના પાકને અસર થવાથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બપોરે સિહોર અને ભાવનગર સહિત બોટાદના ગઢડામાં વાતાવરણમાં પલટો નોંધાયો છે. અનેક વિસ્તારોમાં મિનિ વાવાઝોડા બાદ ચોમાસાની જેમ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી ગરમીમાં નાગરિકોને રાહત મળી છે.
સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં કેસર કેરી તો વલસાડમાં ખેડૂતોએ મહામહેનતે પકાવેલી કેરીઓ આંબા પરથી ખરી પડતા ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.