ઊંઝામાં જીરુંના સેમ્પલ થયા ફેલ, મળ્યો સ્ટોન પાઉડર
મહેસાણાઃ ઊંઝા પંથકમાં છેલ્લા છ મહિનામાં સાત જેટલી ફેક્ટરીમાંથી લેવાયેલા વરિયાળી-જીરુના સેમ્પલ ફેઈલ હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના રામપુર ખાતે વરિયાળીમાંથી નકલી જીરૂ બનાવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી ફેક્ટરી ચાલતી હતી. બાતમીના આધારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ તંત્ર દ્વારા ફેક્ટરી પર દરોડા પાડી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા, જેના રિપોર્ટમાં નકલી જીરૂમાંથી સ્ટોન પાઉડર મળ્યો હતો. જેના પગલે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ફેક્ટરી સંચાલકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
ઊંઝા તાલુકાના સુણોક ગામે સુજીત પટેલની કેક્ટરીમાં મે, 2023માં મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. જ્યાં ગોળની રસી સહિતની વસ્તુઓમાંથી નકલી જીરૂ બનાવતું હોવાનું સામે આવ્યું હતું અને બનાવટી જીરૂ, મીક્ષ પાવડર અને ગોળની રસીના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેને લેબોરેટરીમાં ચકાસણી કરાયા બાદ તે અનસેફ જાહેર થયા હતા.
ઊંઝાના ગંગાપુરા રોડ પર આવેલા ધર્મેશ પટેલના ગોડાઉનમાં ડિસેમ્બર, 2023માં મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડીને ડુપ્લીકેટ જીરૂના 89 લાખ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો. જેમાંથી લેવામાં આવેલા નકલી જીરૂ, મીક્ષ પાવડર અને ગોળની રસીના નમૂના લેબોરેટરીમાં મોકલાયા હતા. જેના પરિણામ અનસેફ જાહેર થયા હતા.
આ પણ વાંચો : અમેરિકાના વિઝા માટે બોગસ દસ્તાવેજો:મહેસાણાના યુવાન સહિત ચાર સામે ગુનો…
ગત સપ્તાહે ઊંઝામાં આવેલી કીર્તિ ટ્રેડિંગ નામની ફેક્ટરીમાં ફૂડ વિભાગ અને એલસીબી ટીમે કાર્યવાહી કરી હતી. જેમાં લીલો કલર નાંખીને બનાવવામાં આવતી કલરફૂલ વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે 1955 કિલો કલરયુક્ત વરિયાળીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. લીલો કલર ભેળવીને વરિયાળી બનાવીને બજારમાં વેચવામાં આવતી હતી. પોલીસે કુલ 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ગોડાઉન ભાડે રાખીને આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. ફેક્ટરીમાંથી 85 બોરી બનાવટી જીરું પણ મળી આવ્યું હતું. આ તમામ મુદ્દામાલને રિપોર્ટ અર્થે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા.