Dont Worry! ગુજરાતમાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સુરક્ષીત પણ હાલ કેમ્પસ ન છોડવા સૂચના

અમદાવાદ: પાડોશી દેશ બાંગ્લાદેશની વણસેલઈ સ્થિતિને લઈને ભારે ચર્ચાઓ છે. બાંગ્લાદેશની તણાવભરી સ્થિતિને લઈને બંને દેશના વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતીને લઈને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. યુનિવર્સિટી અને સરકાર દ્વારા ગુજરાતમાં અભ્યાસ કરતાં 90 બાંગ્લાદેશી યુવકોની સુરક્ષા અને સલામતીની ખાતરી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને લઈને માર્ગદર્શિકા બહાર પાડી છે અને વિદ્યાર્થીઓને કેમ્પસ નહિ છોડવા સૂચના આપવામાં આવી છે.
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશની સ્થિતિ વણસી ચૂકી છે અને દેશની ભારે રાજકીય ઉથલપાથલની પરિસ્થિતિએ ભારતમાં અભ્યાસ કરતાં બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અને બાંગ્લાદેશમાં ભણતા ભારતના વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો કર્યો છે. બાંગ્લાદેશમાં અભ્યાસ કરતાં ભારતના વિદ્યાર્થીઓ ભારત પરત ફરવા માંગે છે. જો કે આ દરમિયાન ગુજરાતની બે મહત્વની ગુજરાત યુનિવર્સિટી અને GTUએ બાંગ્લાદેશી વિદ્યાર્થીઓને કેમ્પસ નહિ છોડવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : બાંગ્લાદેશની હિંસાએ બે કલાકારનો ભોગ લીધો, બંગાળી ફિલ્મો સાથે પણ હતો નાતો
ગુજરાતમાં અભ્યાસ કરતાં કુલ 90 વિદેશી વિદ્યાર્થીઓમાંથી 60 વિદ્યાર્થીઓ બાંગ્લાદેશના છે. જેમાંથી ગુજરાત યુનિવર્સિટીમાં લભાગ 30 અને ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ગુજરાત યુનિવર્સિટીએ તેના બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ બાબતે સમસ્યાના નિવારણ માટે બેઠક પણ બોલાવવામાં આવી હતી અને બેઠક બાદ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસ પર રહેવાની જ સલાહ આપવામાં આવી છે. કોઇ સમસ્યા સર્જાય તો તેના ઉકેલ માટે યુનિવર્સિટીનો તાત્કાલિક સંપર્ક સાધવાની સલાહ આપવામાં આવી છે. આ માટે વિદ્યાર્થીઓ માટે ત્રણ મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીએ ગુજરાત યુનિવર્સિટીમાં કેન્દ્ર સરકારની સહાયથી અભ્યાસ કરતાં 20 બાંગ્લાદેશી વિદ્યાર્થીઓની સલામતીની ખાતરી કરવા શિક્ષણ વિભાગને સૂચના આપી છે. વિદેશ મંત્રાલયે માર્ગદર્શિકા બહાર પાડી છે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિદ્યાર્થીઓને મળ્યા છે. વિદ્યાર્થીઓને મળીને તેઓને જાણ કરવામાં આવી હતી કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે અને તેમની સુરક્ષા અને સલામતી માટે સરકાર અને યુનિવર્સિટી પ્રતિબદ્ધ છે.