પાણી માટે બનાસકાંઠામાં અનોખો વિરોધ! નર્મદા કેનાલમા ખેડૂતોએ કર્યો યજ્ઞ; જુઓ VIDEO

અમદાવાદઃ બનાસકાંઠાના ખેડૂતો છેલ્લા ઘણાં સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોએ નર્મદાની માલસણ બ્રાન્ચ ખાતે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને આસપાસના ગામના ખેડૂતોએ મંત્રોચ્ચાર સાથે હવન કર્યો હતો. આ પછી પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કહ્યું હતું કે, આ વિકાસને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કેનાલની અંદર યજ્ઞ યોજવામાં આવ્યો
માલસણ બ્રાન્ચ ખાતે બ્રાન્ચ કેનાલની અંદર હનુમાન જયંતીના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો હતો. ખેડૂતોએ ગુજરાતના મુખ્યપ્રધાન અને સિંચાઈ પ્રધાનને સદબુદ્ધિ આપે તેવી વિનંતી કરી હતી. વાવ વિસ્તારમાં નર્મદાના પાણીના ભરોસે ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણ, ડીઝલનો ખર્ચ કરીને બાજરી અને રજકાનું વાવેતર કર્યું હતું. ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, પાણી આપવામાં આવશે. હવે જ્યારે ખેડૂતોએ વાવેતર કર્યું છે અને અડધી સિઝને છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
વિકાસને વિનાશ તરફ
ખેડૂતોએ કહ્યું હતું કે, વાવ પેટા ચૂંટણી વખતે મુખ્યપ્રધાનથી માંડીને પ્રધાનો અને ભાજપના આગેવાનોએ આ વિસ્તારના વિકાસના વચનો આપ્યા હતા. આ વિકાસને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. આજે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે. એટલે અમે તો હનુમાન દાદાને વિનંતી કરીએ છિએ કે, વાયુવેગે ગાંધીનગર જાવ સરકારને સદબુદ્ધિ આપો નહીં તો આ વિસ્તારના ખેડૂતોની હાય આ સરકારને ક્યાંય છોડશે નથી.