અનોખી સ્પર્ધા: તિથલમાં સાડી પહેરીને મહિલાઓ ત્રણ કિ.મી. દોડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વલસાડના તિથલમાં સાડી દોડનું આયોજન કરાયું હતું અને આ અનોખી દોડમાં ૬૦ વર્ષ સુધીની ઉંમરની મહિલાઓએ સાડી પહેરીને ત્રણ કિલોમીટરની દોડ લગાવી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડના તિથલમાં સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડની એક સંસ્થા દ્વારા યોજાયેલી આ અનોખી દોડમાં મોટી સંખ્યામાં મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો. દરિયા કિનારે આવેલા સ્વામિનારાયણ મંદિરથી તિથલ ચોપાટી સુધી ૩ કિલોમીટર લાંબી આ વિશેષ સાડી દોડ યોજાઇ હતી.
સામાન્ય માન્યતા એવી છે કે મહિલાઓને સાડી પહેરીને ટૂ વ્હિલર ચલાવવાનું કે દોડવાનું ન ફાવે, પણ આમાન્યતાને ખોટી ઠરાવવા આ દોડમાં મહિલાઓ સાડી પહેરીને દોડતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, અવારનવાર મેરેથોન દોડનું આયોજન કરવામાં આવે છે. પરંતુ તેમાં ભાગ લેતા મહિલા અને પુરુષો દોડવા માટે અનુકૂળ હોય તેવા કપડાં પહેરીને દોડમાં ભાગ લેતા હોય છે. જોકે આજે તિથલમાં યોજાયેલી આ અનોખી દોડ માં તમામ ૧૦૦થી વધુ સ્પર્ધક મહિલાઓએ સાડીમાં સજજ થઇને ભાગ લીધો હતો.