મુંદરા કસ્ટમ્સના લાંચિયા સુપરિન્ટેન્ડેન્ટના ઘરમાંથી બિનહિસાબી નાણાં અને ડાયરી મળ્યાં
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: મુંદરા બંદર પર ચીનથી આયાત કરવામાં આવેલા હેન્ડબેગથી ભરેલા ક્ધટેઈનરના કસ્ટમ ક્લિયરન્સ પેટે એક લાખની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાયેલાં બે કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ અને એક વચેટિયાને કોર્ટે આગામી બીજી માર્ચ સુધીના રિમાન્ડ પર ધકેલી દીધાં છે.
બે લાંચિયા કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પૈકીના શૈલેષ મનસુખ ગંગદેવના મુંદરાના બારોઈ રોડ પરના રામદેવનગર, અરિહંત એપાર્ટમેન્ટમાંના ફ્લેટમાંથી જડતી સમયે બિનહિસાબી ૧૪.૭૮ લાખ રોકડા ઉપરાંત અલગ-અલગ હિસાબો અને નામો લખેલી નાની મોટી આઠ જેટલી ડાયરીઓ મળી આવી છે.
અંતરંગ સૂત્રોના મતે આ ડાયરીઓ કસ્ટમ તંત્રમાં ટોચથી લઈ તળ સુધી ફેલાયેલાં ભ્રષ્ટાચારનો કાળો હિસાબ લખેલો છે. રિમાન્ડની માગણી વખતે એસીબીના વિશેષ સરકારી વકીલે દલીલ કરી કે આ ડાયરી મુદ્દે શૈલેષ યોગ્ય ખુલાસા કરતો ના હોઈ તેને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવી આવશ્યક છે. શૈલેષ ગંગદેવ (ઉં.વ. ૫૮, મૂળ રહે. શ્યામસુંદર સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, મેઈન રોડ- ૨, રૈયા રોડ, રાજકોટ) રાજકોટની બેન્કમાં ત્રણ લોકર ધરાવે છે. તેના લોકરની તપાસ કરવી પણ જરૂરી છે. એ જ રીતે, પ્રિવેન્ટિવ બ્રાન્ચનો સુપરિન્ટેન્ડેન્ટ આલોક દુબે (૩૮, હાલ રહે. સદગુરુ હોમ્સ, ગુંદાલા રોડ, મુંદરા મૂળ રહે. પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશ) અને મીડલમેન તરીકે ઝડપાયેલો કસ્ટમ હાઉસ એજન્ટ રમેશ ગોપાલ ગઢવી (હાલ રહે. ધવલનગર, માંડવી. મૂળ રહે. કાઠડા, માંડવી) પણ બૅન્ક લોકર ધરાવતાં હોવાની પણ શક્યતા છે.
રાજકોટના વેપારીએ ચીનથી મંગાવેલા માલ સંદર્ભે આરોપીઓએ હેન્ડબેગનો નંગદીઠ ભાવ પચાસથી એકસો રૂપિયા વધારી દઈને તેને વધારાનો ટેક્સ ભરવા દબાણ કર્યું હતું, ત્યારબાદ માલ અંગે વધુ કોઈ કવેરી નહીં કાઢી ક્ધટેઈનર પાસ કરાવવા પેટે બે લાખની લાંચ માગી હતી જે રકઝકના અંતે એક લાખમાં ‘નક્કી’ થયું હતું.
આરોપીઓ સાથે લાંચ બાબતે થયેલી વાતચીતનું ઑડિયો અને વીડિયો રેકોર્ડિંગ પણ અરજદાર દ્વારા કરાયું હતું, જેમાં તેમણે ફરિયાદીને જણાવ્યું હતું કે ક્ધટેઈનર બાબતે દિલ્હીથી ક્વેરી આવી હતી. જેથી લાંચકાંડમાં દિલ્હીસ્થિત કસ્ટમનો કોઈ અધિકારી કે કર્મચારી સંડોવાયેલો છે કે કેમ તે મુદ્દે તપાસ જરૂરી છે. પાંચ દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરવા કરેલી રજૂઆતને ગ્રાહ્ય રાખી કોર્ટે બીજી માર્ચ બપોરે ૧૨ વાગ્યા સુધી રીમાન્ડ મંજૂર કર્યાં છે. ગુનાની તપાસ પૂર્વ કચ્છ એસીબી ઈન્સ્પેક્ટર ટી.એચ.પટેલને સુપરત કરાઈ છે.