ભયજનક સપાટીથી માત્ર આટલો દૂર છે ઉકાઈ ડેમ
ગત રોજથી ઉપરવાસમાં વરસાદના પગલે ઉકાઈ ડેમમાં ભારે પાણીની આવક થઈ રહી છે. ગત રોજ 5 લાખ ક્યુસેક જેટલું પાણી ઉકાઈ ડેમમાં આવ્યું હતું. ત્યારબાદ તેમાં ઘટાડો થઈને હાલ 2.45 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમની સપાટી 343.57 ફૂટે પહોંચી ગઈ છે. જેથી ડેમના તમામ દરવાજા ખોલી 2.97 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી ભયજનક 345 ફૂટથી માત્ર દોઢ ફૂટ જ દૂર છે, તેમ અહેવાલો જણાવી રહ્યા છે. બે કલાકમાં ડેમની સપાટી 2 ફૂટ વધી છે. તાપી કાંઠાના 20 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઉકાઈ ડેમ છલોછલ ભરાવાની એકદમ નજીક હોવાની સાથે જ ગતરોજ સૌથી વધુ 5.43 લાખ ક્યુસેક સુધીનો ઇનફ્લો આવતા ડેમ ભયજનક સપાટીને પાર ન કરે તે માટે સત્તાધીશોએ મથામણ શરૂ કરી દઈને ડેમના દરવાજા ખોલ્યા હતા. પાણી છોડવાનું સતત વધારતા જઈને 2.97 સુધીનુ પાણી છોડવાનું આરંભ્યું હતું. હાલ આવકમાં ઘટાડો થયો છે. જોકે, સપાટી ભયજનક હોવાથી જાવક 2.97 લાખ ક્યુસેક જ રાખવામાં આવી છે. ડેમની સપાટી 12 કલાકમાં બે ફૂટ વધી હતી.
આ પાણી તાપી નદીમાં આવી પહોંચતા રાંદેર- સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવે 10.95 મીટરથી વહી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી છોડાયેલા પાણીનો જથ્થો તાપી નદીમાં આવી પહોંચતા રાંદેર હનુમાન ટેકરી ખાતેનો ફૂલડ ગેટ બંધ કરવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણી અને ફલડ ગેટ પર મ્યુનિસિપલ તંત્ર સતત નજર રાખી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. પાણીના લેવલના કારણે બધા જ ફલડ ગેટ એલર્ટ મોડ પર રાખવામા આવ્યા છે અને સતત મોનિટરિંગ થઈ રહ્યું છે.
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા બારડોલી અને માંડવી તાલુકાના અંદાજિત 20 જેટલા ગામો એકબીજાથી સંપર્ક વિહોણા થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. માંડવીનો આમલી ડેમ પણ 99 ટકા ભરાઈ જતા વેરના નદીના તટે આવેલા ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે.