હેલિકોપ્ટર ન પહોંચ્યું પણ આર્મી જવાનોએ બચાવ્યા 12ના જીવ

કરજણ તાલુકામાં નર્મદા નદીની વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે પૂરના પાણીમાં ફસાયેલા ૧૨ વ્યક્તિને સેનાની મદદથી બચાવી લેવામાં આવી છે. ખરાબ વાતાવરણના કારણે વાયુસેના કે કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર ઉડાન ના ભરી શકવાના કારણે આર્મીની બોટ મંગાવી આ કાંઠા તરફ લાવવામાં આવી છે. છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલી મહેનત પછી સોમવારે સવારે આ પરિવારનું રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. રાજ્ય સરકાર દ્વારા પંચમહાલ, વડોદરા સહિતની અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહતકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
ગત શનિવારના રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર અંગે સૂચના આપવા આવ્યા બાદ પણ વ્યાસ બેટ ખાતે એક પરિવારના ૧૨ સભ્યો સલામત સ્થળે આવી શક્યા નહોતા. હવે એ દરમિયાન નર્મદા નદીમાં પાણીની આવક વધતા વ્યાસ બેટમાં પાણી ભરાવાના શરૂ થયા હતા.
હવે થયું એવું કે, કલેક્ટર દ્વારા રાહત કમિશનર મારફત એરફોર્સનું હેલીકોપ્ટર મંગાવવામાં આવ્યું તો અમદાવાદમાં ભારે વરસાદના કારણે તે ઉડાન ભરી શક્યું નથી. તો ફરી સંકલન સાધી કોસ્ટગાર્ડનું એક ચોપર દમણથી અસાઇન કરવામાં આવ્યું. તેની સાથે પણ એવું થયું અને હેલીકોપ્ટર આવી શક્યું નથી. આ સ્થિતિને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રવિવારે બપોર બાદ એક બોટ નદીમાં ઉતારવામાં આવી પણ પ્રવાહ એટલો તેજ હતો કે બચાવકર્મીઓએ પરત ફરવું પડ્યું હતું.
આવી કપરી સ્થિતિને જોતા અંતે આર્મી પાસેથી વધુ શક્તિશાળી બોટ રવિવારે સાંજે મંગાવી લેવામાં આવી અને આજ સોમવારે સવારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આજે સવારે આર્મીની એક બોટ સ્થાનિક જાણકાર વ્યક્તિને સાથે રાખી નાસ્તો અને જરૂરી સામાન લઇ વ્યાસ બેટ ઉપર પહોંચી ગઇ હતી. જ્યાં ફસાયેલી તમામ ૧૨ વ્યક્તિને પ્રથમ તો નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને બાદમાં બોટમાં બેસાડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પણ ઠેર ઠેર રાહતકાર્યો ચાલી રહ્યા છે અને લોકોનો જીવ બચાવાઈ રહ્યો છે. મુખ્ય પ્રધાને પણ ટ્વીટ કરી આ માહિતી આપી હતી.