Suratમાં પરપ્રાંતિયો વતનની વાટે: ઉધના સ્ટેશન પર ભીડથી ગોઠવાયો પોલીસ બંદોબસ્ત
સુરતઃ ગુજરાત સહિત અલગ અલગ રાજ્યોમાંથી લોકો સુરતમાં રોજગારી મેળવવા માટે આવે છે. દિવાળીના દિવસોમાં સુરત શહેરમાંથી પોતાના વતન સૌરાષ્ટ્ર તથા ઉત્તર ગુજરાત, દાહોદ, પંચમહાલ સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ મહારાષ્ટ્ર અને ઉત્તર ભારત સહિત પરપ્રાંતિયો હજારોની સંખ્યામાં પોતાના વતન જતા હોય છે. જેને લઈને ટ્રેનમાં મોટો ધસારો જોવા મળતો હોય છે. ગત દિવાળીએ ટ્રેનમાં બેસવા માટે થયેલી ભાગદોડમાં એક યુવક મોતને ભેટ્યો હતો, ત્યારે આગામી દિવાળીના તહેવારને લઈને અત્યારથી જ ઉધના રેલ્વે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે. જેને લઈને ઉધના રેલવે સ્ટેશન ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મુસાફરોને લાઈન બંધ ટ્રેનમાં બેસાડવામાં આવી રહ્યા છે.
રેલવે સ્ટેશન પર એક કિમી લાંબી લાઈન:
સુરત રેલવે સ્ટેશન ખાતે ત્રણ પ્લેટફોર્મ જ કાર્યરત છે. જ્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે છ પ્લેટફોર્મ કાર્યરત છે. સુરત રેલવે સ્ટેશન પર ડેવલોપમેન્ટની કામગીરી થતી હોવાથી દિવાળીની મોટાભાગની ટ્રેનો ઉધના સ્ટેશનથી દોડાવવામાં આવનાર છે. આથી અત્યારથી જ ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે અને એક કિમી લાંબી લાઈનો લાગી હતી. વહેલી સવારથી જ મુસાફરો સ્ટેશન પર ટ્રેનની રાહ જોઇ ઉભા રહ્યા હતા. જેથી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : ઈરાની ગેંગના બે આરોપીની ધરપકડ: ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આચર્યા છે ગુના
તબીબી સહાયની ખાસ સુવિઘા:
ઉધના રેલવે સ્ટેશન પર ભીડને ધ્યાનમાં રાખી રેલવે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે. આ વખતે ઉધના સ્ટેશન પર રેલવે દ્વારા મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સને ખાસ તૈનાત કરવામાં આવશે. કારણ કે ભારે ભીડમાં જો કોઈ મુસાફરને તબીબી સહાયની જરૂર પડે તો તેને તાત્કાલિક સારવાર મળી શકે છે અથવા નજીકની હોસ્પિટલમાં મોકલી શકાય છે. ઉધના સ્ટેશનની પશ્ચિમ બાજુએ સાત અનરિઝર્વ્ડ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેથી કરીને મુસાફરોને ઉધનાથી ચાલતી વિશેષ અનરિઝર્વ્ડ ટ્રેનોની ટિકિટ ઝડપથી મળી શકે. જેની શિફ્ટ 22થી વધારીને 25 કરવામાં આવી છે.
નોડલ ઓફિસરની નિમણૂક:
રેલવે દ્વારા ઉધના રેલવે સ્ટેશન પર નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે, જેનું મુખ્ય કામ દિવાળી અને છઠ્ઠ સુધી ચાલતી અનરિઝર્વ્ડ અને રિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેનોમાં ભીડને તપાસવાનું છે. રોજના કેટલા મુસાફરો ભેગા થઈ રહ્યા છે અને કેટલી જનરલ ટિકિટો વેચાઈ રહી છે. આના પર નજર રાખવામાં આવશે.