ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની ચર્ચા પણ હજુ રિપોર્ટ જ નથી સોંપાયો, ક્યારે સોંપાશે રિપોર્ટ?

ગાંધીનગર: ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાની તૈયારીઓ તેજ કરી નાખી છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫માં જાહેરાત કરી હતી કે ઉત્તરાખંડ બાદ ગુજરાત સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બનશે.
રાજ્ય વિધાનસભાને સંબોધતા રાજ્યના કાયદા પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ રાજ્યના તમામ લોકો માટે સમાન ન્યાય સુનિશ્ચિત કરવા અને એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનાને સાકાર કરવાની દિશામાં એક પગલું છે.

ગુજરાત સરકારે કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા કમિટીની રચના કરી છે. આ કમિટીના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટનાં નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ અને પાંચ સભ્યોએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત-બેઠક યોજી હતી. આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે કમિટીની કામગીરી પ્રગતિની વિગતો મુખ્ય પ્રધાનને આપી હતી.
કાયદા પ્રધાન ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત, સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા ગીતાબેન શ્રોફ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

યુસીસી કમિટીના અધ્યક્ષ નિવૃત્ત જજ રંજના દેસાઈએ જણાવ્યું હતું કે કાયદો લાગુ કરવામાં હવે વધુ સમય લાગશે નહીં. તેમણે જણાવ્યું હતું કે અમે દરેક જિલ્લામાં જઈ નાગરિકો સાથે વાતચીત કરી છે અને દરેક બેઠકનો રેકોર્ડ પણ રાખવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 1.15 લાખથી વધુ સૂચનો કમિટીને મળ્યા છે. સરકાર ચોમાસું સત્રમાં બિલ રજૂ કરી શકે છે તેવા સંકેત રાજ્યના પ્રવક્તા પ્રધાને આપ્યા હતા.
યુસીસીની જાગેલી ચર્ચા વચ્ચે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ૮ થી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની જાહેરાત કરવામાં આવી છે. ત્રણ દિવસના આ સત્રમાં સરકારી કામકાજ અને વિવિધ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું હતુ.

જો કે એવી પણ ચર્ચા છે કે આ સત્ર દરમિયાન યુસીસી વિધેયક રજૂ કરી શકે છે. જો કે ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટીએ હજુ સુધી રિપોર્ટ સરકારને સોંપ્યો નથી, આ રિપોર્ટ ક્યારે સોંપવામાં આવે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ કમિટીના સભ્ય અને મુખ્ય પ્રધાન વચ્ચે બેઠક થઇ હતી, જેથી આ રિપોર્ટ થોડા સમયમાં સોપવામાં આવે તેવી અટકળો થઇ રહી છે.
આ પણ વાંચો…ગુજરાત સરકાર રચિત યુસીસી કમિટીને હાઈ કોર્ટની લીલીઝંડીઃ સુરતના અરજદારની અરજી ફગાવી