યુએઈ-ગુજરાત ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજીઅને ડિસેલિનેશન પ્લાન્ટ માટે આગળ વધશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ અંતર્ગત યુ.એ.ઈ.ના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડો. થાની બિન અહેમદ અલ ઝૈઉદી સાથે મુલાકાત બેઠક યોજી હતી.
મુખ્યપ્રધાને ગુજરાત અને યુએઈના પરસ્પર સહયોગ અંગે ચર્ચા દરમિયાન ગ્રીન હાઈડ્રોજન ટેકનોલોજી અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે પણ યુએઈ-ગુજરાત સાથે મળીને આગળ વધી શકે તેમ છે, તેમ જણાવ્યું હતું.
યુ.એ.ઈ. ૨૦૧૭થી વાઈબ્રન્ટ સમિટમાં પાર્ટનર ક્ધટ્રી તરીકે જોડાય છે અને યુએઈના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે એમ શ્રીયુત થાની બિન અહેમદે જણાવ્યું હતું.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતુ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટથી સૌને વિકાસવાની તક આપી છે અને એક ભારત- શ્રેષ્ઠ ભારત સાકાર થયું છે. યુએઈના ઉદ્યોગ રોકાણકારોને પણ સાથે મળીને વિકાસમાં ભાગીદાર થવા ઈજન આપ્યું હતું. ગુજરાતના ગિફ્ટ સિટી, ધોલેરા સર, ડાયમંડ બુર્સ જેવા પ્રકલ્પો ઉપરાંત રિન્યૂએબલ એનર્જી ગ્રીન હાઇડ્રોજન વગેરેમાં પણ મીનીંગફુલ પાર્ટનરશિપ થઈ શકે તેમ છે, એવું આ બેઠકની ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાને આ મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, યુએઈની કંપનીઓ માટે રેલવે, રોડ-રસ્તાઓ, પોર્ટ્સ અને શિપિંગ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકો રહેલી છે. ગિફ્ટ સિટીમાં રોકાણની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાતને યુએઈ અને ભારત તેમજ ગુજરાત વચ્ચે મિત્રતાના મજબૂત બોન્ડીંગનો લાભ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધને વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.