રાજકોટના મેળામાં એક હેવાન આચરી આવી હૈવાનીયત
રાજકોટ શહેરમાં દિન-પ્રતિદિન નાની બાળકીઓ પર દુષ્કર્મના કેસો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં ‘રસરંગ’ લોકમેળામાં બે વર્ષની બાળકી પર કૌટુંબિક શખ્સે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાની બે વર્ષની બાળકી તેમજ પરિવારના સભ્યો સાથે રેસકોર્સ ગ્રાઉન્ડના મેળામાં ફરવા ગઈ હતી. આ દરમિયાન માતા ચકડોળમાં બેસવા જતાં પોતાની બાળકીને કૌટુબિંક દેરાણીના ભાઈને સાચવવા માટે સોંપી ગઈ હતી. માતા પરત આવી ત્યારે બાળકી રડતી હતી અને બાળકીના ગુપ્ત ભાગેથી લોહી નીકળતું હતુ. આથી તાત્કાલિક બાળકીને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. ઘટનાની જાણ પોલીસ સ્ટેશનને કરવામાં આવતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે બાળકીની માતાની ફરિયાદના આધારે પોતાના કૌટુબિંક શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.