રાજકોટમાં હાર્ટ એટેકથી બે લોકોના મોત, રેનિશ નકાણી અને મનોજ બાવળિયાના મૃત્યુથી પરિવાર શોકાતૂર
રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી મોતનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે. આજે રાજકોટમાં એક જ દિવસમાં બે લોકો હાર્ટ એટેકથી મોતને ભેટ્યા હતા. શહેરમાં 14 વર્ષીય બાળક અને 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. 14 વર્ષીય રેનિશ નકાણી અચાનક રમતા રમતા ઢળી પડ્યો હતો. જ્યારે 37 વર્ષીય મનોજ નાગજીભાઈ બાવળિયા નામના યુવકનું તેના મિત્રના લગ્નમાં જ મૃત્યુ થતા આનંદનો પ્રસંગ શોકમાં ફેરવાઈ ગયો હતો.
મળતી વિગતો મુજબ 14 વર્ષીય રેનિશ રજાકભાઈ નકાણી વાવડી સ્થિત પોતાના ઘર પાસે મહમદીબાગમાં તેના મિત્રો સાથે રમતો હતો ત્યારે અચાનક અચાનક છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ સાથે ત્યાં જ બેસી ગયો હતો. છાતી પર હાથ રાખી બેસી રહ્યા બાદ ઢળી પડયો હતો. બેભાન થયા બાદ તરુણને તુરંત સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા તરુણે દમ તોડી દીધો હતો. પ્રાથમિક તપાસમાં તરુણનું હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું હતું. 14 વર્ષીય રેનિશ રજાકભાઈ નકાણી ધોરણ 7માં અભ્યાસ કરતો હતો.
જ્યારે નવાગામમાં રહેતા રિક્ષાચાલક મનોજ બાવળીયા બાવળિયા નામનો યુવક તેમનાં મિત્ર બાબુભાઈના પુત્રના લગ્ન પ્રસંગ કાગદડી ગામે ગયો હતો. જ્યાં રાત્રિના 12 વાગ્યાની આસપાસ મનોજ બાવળીયાનું હૃદય બેસી જતા તે બેભાન થઈ ગયો હતો તે યુવકને તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મૃતક મનોજ બાવળીયા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને તે ચાર ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો. તેમજ તેઓને સંતાનમાં એક પુત્ર-પુત્રી છે. બાળકો પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.