નર્મદામાં ભારે થઈઃ માગણીઓ ન સંતોષાતા બે જણ મોબાઈલ ટાવર પર ચડી ગયા ને…
રાજપીપળા: નર્મદા જિલ્લાના સરદાર સરોવર નર્મદા યોજનાના અસરગ્રસ્તોની માંગણીઓ ન સંતોષાતા બે લોકો મોબાઇલના ટાવર પર ચડી ગયા હતા. જેમાં એક યુવાન અને એક મહિલા મોબાઇલના ટાવર પર ચઢી ગયા છે. આ ઘટનાનો વીડિયો ખૂબ જ વાઈરલ થઇ રહ્યો છે. બે વ્યક્તિ મોબાઇલના ટાવર પર ચઢી જતા તંત્ર દોડતું થઇ ગયું છે. ફાયર વિભાગ અને પોલીસ સમજાવટ કરી રહી છે.
ટાવર પરથી ઉતરવાનો ઇનકાર
નર્મદાના ચિચડિયા ગામ રહેવાસી દિનેશ પસિયાભાઈ તડવી અને નવાગામ લીમડી ચિચડીયા ગામના બબીતા બચુંભાઈ તડવી બંને અસરગ્રસ્તો છે કે જે બનેએ પોતાની માંગણીઓને લઈને મોબાઈલ ટાવર પર ચડી ગયા હોવાની વિગતો તંત્રને મળતાની સાથે જ તંત્ર અને પોલીસ દ્વારા સમજાવટની કોશિશ કરવામાં આવી રહી છે. તંત્રએ તેમની દરેક માંગણી સંતોષાશે તેવી ખાતરી આપી હતી. પરંતુ આઠ વર્ષ વીતવા છતાં કોઇ માંગણી સંતોષાઈ ન હોવાથી તેઓ ટાવર પર ચડ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહી દીધું હું કે જ્યાં સુધી અમારી માંગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે ટાવર પરથી ઉતરીશું નહીં.
2016-17માં કર્યા હતા પ્રતિક ઉપવાસ
ઉલ્લેખનીય છે કે, 2016-17માં સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તો પોતાની સંપાદિત કરેલી જમીનની જગ્યાએ અન્ય સ્થળે જમીન ફાળવવી અને તેમના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવાની માગને લઈને લોકોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. તે સમયે તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યાએ માંગણી સંતોષાશે તેવી ખાતરી આપી પારણા કરાવ્યા હતા.
Also read: સફાઈ કામદાર તરીકે જાણીતા ગીધોની વસતિ ઘટતા સરકારે લીધો આ નિર્ણય
સરકારે નોકરી-જમીન નહિ આપ્યાનો આક્ષેપ
નિકોએ જણાવ્યું છે કે સરદાર સરોવર નર્મદા ડેમ બનવાની શરૂઆત થઈ ત્યારે સરકારે અસરગ્રસ્ત પરિવારના એક બાળકને નોકરી મળશે તેવું કહ્યુ હતુ પણ હજુ સુધી કોઈને નોકરી મળી નથી. નર્મદા ડેમ બન્યો ગુજરાત સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ તેની અસર થઈ છે આથી તેના માટે દરેક રાજ્ય માટે પોલિસી એક સરખી હોવી જોઈએ, જે હજુ સુધી નથી બની. ગુજરાતમાં 1980, 1981, 1982 અને છેલ્લે 2003માં જમીન સંપાદન થયું હતું. નિયમ મુજબ કટ ઓફ ડેટથી જ્યારે સંપાદન થાય ત્યારથી 18 વર્ષની ઉંમર થાય એને જમીન આપવી એવી પોલીસી છે. હવે મધ્યપ્રદેશમાં 30-40 વર્ષના લોકોને જમીન મળે છે, જ્યારે ગુજરાતમાં 50-55 વર્ષના લોકોને પણ જમીન મળી ન હોવાનો સ્થાનિકોએ આરોપ કર્યો છે.