ગુજરાતમાં વરસાદે વેરી બન્યો, વધુ બેનાં જીવ ગયા, ચારેકોર પાણી જ પાણી
સાબરકાંઠાઃ સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ ગઈકાલે પૂર્વ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે. એક તરફ વરસાદની જરૂર છે જ્યારે બીજી બાજુ એક સાથે વરસાદ તૂટી પડતા અને તંત્રની વ્યવસ્થાઓ ટૂંકી પડતા લોકોના જીવ જઈ રહ્યા છે અથવા તેઓ સખત પરેશાની ભોગવી રહ્યા છે.
જિલ્લામાં 24 કલાકમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે ત્યારે હિંમતનગરના ગાંભોઈ પાસેના રાજપુર ગામે ગત મોડી રાત્રે એક મકાનની દીવાલ પડતાં ઘરની અંદર સૂઈ રહેલાં માતા-પુત્રનું મોત નીપજ્યું છે. માતા-પુત્રના મૃતદેહો પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ જ્યારે હિંમતનગરથી પસાર થતાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
હિંમતનગર તાલુકામાં 24 કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસવાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. રાત્રી દરમિયાન હિંમતનગરના ગાંભોઈ પાસેના રાજપુર ગામે કાચા મકાનની દીવાલ પડતા ઘરમાં સૂઈ રહેલા માતા અને પુત્રનું મોત નીપજ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજપુર ગામે કાચા ઘરમાં એક પરિવાર સૂઈ રહ્યો હતો. તે દરમિયાન ઘરમાં પાછળના રૂમમાં માતા શિલ્પાબેન મહેશસિંહ પરમાર (ઉ.વ.35) અને પુત્ર ક્રીશ મહેશસિંહ પરમાર (ઉ.વ.9) સૂઈ રહ્યાં હતાં.
આ દરમિયાન બાજુમાં બની રહેલાં ઘરની કાચા મકાનની દીવાલ પડી ગઈ હતી. જેને પગલે માતા-પુત્રના ઊંઘમાં મોત નીપજ્યા છે. બંનેના મૃતદેહને રાત્રે પોસ્ટમોર્ટમ માટે ગાંભોઈ આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. ગાંભોઈ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સમગ્ર તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં તલોદ 102 મિમી, હિંમતનગર 99 મિમી, પ્રાંતિજ 69 મિમી, ઇડર 31 મિમી, ખેડબ્રહ્મા નવ મિમી, પોશીના ચાર મિમી, વડાલી ત્રણ મિમી, વિજયનગર એક મિમી વરસાદ વરસયો હતો.
Also Read –