આપણું ગુજરાત

ATMમાંથી પૈસા સેરવી લેનારી ગેંગના બે ગઠિયા પકડાયા

રાજકોટ: શહેરમાં એટીએમમાંથી સિફતથી પૈસા ફેરવી લેતી ગેંગના બે સભ્યો ક્રાઈમ બ્રાન્ચના હાથે લાગ્યા હતા. સમગ્ર ગુજરાતમાં પૈસા ઉપાડવા આવેલ લોકોના પૈસા ATM મશીનમાંથી સેરવી લેતા મૂળ રાજસ્થાનના બે ગઠીયાની રાજકોટ ડીસીબી ક્રાઈમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અન્ય બે શખ્સો હજુ પકડમાં આવ્યા નથી.

ધરપકડ કરવામાં આવેલા શખસની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ATM ચેમ્બર ખાલી હોય ત્યારે અંદર ઘૂસી અને એક લોખંડનું ઓજાર પૈસા જ્યાંથી કલેક્ટ કરવાના હોય તે જગ્યાએ ગોઠવી દેતા હતા. ત્યાર બાદ જે કોઈ લોકો પૈસા ઉપાડવા જાય તે પૈસા જ્યાંથી નીકળતા હોય એ જગ્યાએ લોખંડના ઓજારમાં તે પૈસા અટવાઈ જતા અને લોકો એરર માની અને નીકળી જતા હતા. ત્યાર બાદ આ બંને શખ્સો ATMમાં જઈ અને પેલું લોખંડનું ઓજાર ખેંચી અને કાઢી લેતા જેમાં પૈસા ગોઠવાયેલા રહેતા આમ ગુજરાત ભરમાં અનેક સ્થળોએ આ રીતે લોકોના પૈસા લઈ અને છુમંતર થઈ જતા.

બુધવારે એટીએમ મશીનના સીસીટીવી કેમેરામાં આ બંને શખસ કેદ થઈ ગયા હતા અને પોલીસ તંત્રએ પગેરું રાખીને બંનેની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ મોડસ ઓપરેન્ડી અને તેના સાધનો જોઈ અને પોલીસ ચોંકી ઉઠી હતી.

પ્રાથમિક તપાસમાં રાજકોટમાં ચાર જગ્યાએ ઉપરાંત અંકલેશ્વર, ભરૂચ, બરોડા અને મોરબી જેવી કેટલીક જગ્યાએ આ બંને શખસોએ એ જ રીતે પૈસા સેરવી લીધા હતા. તે અન્ય કેટલા શહેરમાં એટીએમ ટેમ્પર કરી અને ડેબિટ કાર્ડ ધારકોને લૂંટ્યા છે તે જાણવાનો પ્રયાસ વિધિવત તપાસનો દોર શરૂ થશે ત્યારે ઘણી ચોંકાવનારી વિગતો જાણવા મળશે અને કદાચ બહુ મોટા આંકડામાં તે રકમ હશે, એમ પોલીસે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button