Unjha એપીએમસીમાં સત્તા મેળવવા ભાજપના બે ગ્રુપ આમને સામને, 16 ડિસેમ્બરે મતદાન
અમદાવાદઃ ગુજરાતની સૌથી વધુ મોટી અને સમૃદ્ધ ગણાતી ઊંઝા એપીએમસી પર કબજો જમાવવા માટે ભાજપના જ બે ગ્રૂપ વચ્ચે ચુટણી જંગ ખેલાશે. જેમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ વેપારીઓના ચાર અને ખેડૂતોના દસ મળી 14 ઉમેદવારોની જગ્યા માટે હવે 36 ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા. જેમાં ખેડૂત પ્રતિનિધિ તરીકેની 10 જગ્યા માટે 20 ઉમેદવાર અને વેપારીઓના ચાર પ્રતિનિધિની જગ્યા માટે 16 ઉમેદવારોએ રહેતા આગામી 16મી ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં 1152 મતદારો મતદાન કરશે. જેનું પરિણામ બીજા દિવસે 17મી ડિસેમ્બરે જાહેર થશે.
87 માંથી માત્ર 50 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું
સોમવારે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી ઘડી સુધી ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન બંને જૂથોને સમજાવવા મરણિયા પ્રયાસો કર્યા હતા. તેમ છતાં 87 માંથી માત્ર 50 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં હવે ભાજપના બે જૂથ વચ્ચે ચૂંટણીજંગ ખેલાશે.. ખરીદ વેચાણ મંડળી વિભાગમાં એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ બિનહરીફ ચૂંટાયા છે. આગામી 16 ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીમાં 1152 મતદારો મતદાન કરશે.
પરિણામ 17મી ડિસેમ્બરે જાહેર થશે
સોમવારે ઉમેદવારી પરત ખેંચવાનો દિવસ હોઇ એપીએમસી સંકુલ સવારથી લઇ મોડી સાંજ સુધી ધમધમતું જોવા મળ્યું હતું. ઉમેદવારોની ચહલપહલ સાથે ફોર્મ પરત ખેંચાવવા કવાયતો ચાલી હતી. મહેસાણાથી સવારે ભાજપ તરફથી કેટલાક ઉમેદવારોને ટેલીફોનિક સેન્સ મળતાં ઉમેદવારી પરત ખેંચી હતી. જ્યારે એપીએમસી સંકુલમાં બપોરે બે વાગ્યાના અરસામાં સાંસદ હરિભાઇ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોર સહિતના આગેવાનોએ એક પછી એક કેટલાક ઉમેદવારો સાથે વાતચીત, તો કેટલાકના ટેલીફોનિક સંપર્ક કરી ફોર્મ પરત ખેંચવા સમજાવ્યા હતા.
જોકે, સમય અવધિની છેલ્લી ઘડી સુધીના પ્રયાસો પછી પણ બંને જૂથમાંથી કેટલાક ઉમેદવારો ટસના મસ નહીં થતાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂરો થઇ જતાં સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ત્યાંથી નીકળી ગયા હતા.