ગાંધીનગરમાં સ્ટાફ સિલેક્શન કમિશનની કોન્સ્ટેબલની પરીક્ષામાં બે ડમી ઉમેદવાર ઝડપાયા | મુંબઈ સમાચાર

ગાંધીનગરમાં સ્ટાફ સિલેક્શન કમિશનની કોન્સ્ટેબલની પરીક્ષામાં બે ડમી ઉમેદવાર ઝડપાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગાંધીનગરનાં ભાટ ખાતે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાયેલી કોન્સ્ટેબલ જનરલ ડયૂટીની પરીક્ષામાં ડમી ઉમેદવારો ઝડપાયા હતા. ૧લી માર્ચના રોજ રાજ્યના ૧૬ જગ્યાએ લેવાયેલી પરીક્ષામાં એક કેન્દ્ર ભાટ ખાતે પણ હતું. જેમાં પરીક્ષાર્થીના આધારકાર્ડની ચકાસણી કરાતા મામલો સામે આવ્યો છે. જેને પગલે અડાલજ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખસો સામે ગુનો નોંધાયો છે.

રાજ્યમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કોન્સ્ટેબલની કોમ્પ્યૂટર બેઝ પરીક્ષા ૧લી માર્ચે ૧૬ કેન્દ્રો પર લેવાઈ હતી. કંપની દ્વારા કરાયેલા આયોજનમાં એક કેન્દ્ર ભાટ ગામે આવેલા એક કોમ્પ્લેક્ષમાં આવેલી સંસ્થામાં હતું. ચાર શિફ્ટમાં કોમ્પ્યૂટર બેઝ પરીક્ષામાં કંપનીના એક વેન્યુ કમાન્ડિંગ ઓફીસર અને સ્ટાફ સિલેક્શન કમિશન તરફથી ઓબ્ઝર્વર હાજર હતા. બે શિફ્ટમાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી ત્રીજી શિફ્ટમાં પરીક્ષાર્થીઓનું મેન્યુઅલી ચેકિંગ કરાયું હતું. જેમાં પરીક્ષાર્થીઓનો ફોટો લઈને ફોર્મ ભરતા સમયે અપલોડ કરાયેલા ફોટો સાથે મેચ કરાઈ રહ્યાં હતા. આ સમયે એક પરીક્ષાર્થી બબલુ રામપ્રકાશ કંપાના (ગ્રામભાનપુર, મધ્ય પ્રદેશ)નો ફોટો સિસ્ટમની અંદર મીસમેચ બતાવતો હતો અને લોગીન પણ થતું ન હતું. જેને પગલે વધુ તપાસ કરતાં ડમી પરીક્ષાર્થી હોવાનું સામે આવ્યું હતું. જેમાં બબલુની જગ્યાએ રાધેશ્યામ શ્રીકિષ્ણ શર્મા (ડીડીનગર, ગ્વાલિયર) હોવાનું ખૂલ્યું હતું. તેણે કબૂલાત કરી હતી કે, બબલુના આધારકાર્ડમાં તેનો ફોટો લગાવીને અજીતસિંહ ગુર્જર નામનો વ્યક્તિ પરીક્ષા આપવા માટે લઈ આવ્યો હતો. આરોપીની પૂછપરછ ચાલી રહી હતી તે દરમિયાન પરીક્ષાની ચોથી શિફ્ટ ચાલુ થઈ હતી. તેમાં પણ એક પરીક્ષાર્થીનો ફોટો મીસમેચ થયો હતો. આ કિસ્સામાં પણ અતેન્દ્રસિંહ શિવસિંહ (મધ્ય પ્રદેશ)ના સ્થાને આશિષ વિનોદ શર્મા (ફિરોઝાબાદ) પરીક્ષા આપવા માટે પહોંચી ગયો હતો. જેને પગલે સમગ્ર મુદ્દે પાંચેય શખસો સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. પાંચમાંથી ત્રણ આરોપી પકડાયા છે જ્યારે ખરા પરીક્ષાર્થીઓની ઝડપી લેવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Back to top button