મુંદ્રાના સુખપર ગામે નદીમાં ડુબવાથી બે બાળકોના મોત

મુંદ્રા: કચ્છના મુંદ્રા તાલુકાના સુખપર ગામ નજીકથી વહેતી કેવડી નદીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે.
બનાવ અંગે મુંદરાના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ઠુમરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગત સોમવારની બપોરથી લાપત્તા થયેલા શ્રમજીવી પરિવારના 11 વર્ષના રઝાક ઈબ્રાહિમ જુણેજા અને 13 વર્ષના તારીક અનવર સોતા નહાવા માટે નદીમાં પડ્યાં બાદ ઊંડા ખાડામાં ડૂબી ગયાં હતા. વહેલી સવારે પાંચ વાગ્યે એક બાળકનો મૃતદેહ મળી આવ્યાં બાદ શોધખોળના અંતે બીજા બાળકનો દેહ મળી આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
દરમ્યાન, નદીના પટમાં ગેરકાયદે થતા રેતી ઉત્ખનનના કારણે થઇ ગયેલા ઊંડા ખાડાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનો ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે અને દોષિતો સામે પગલાં ભરવાની માંગ કરી હતી.