“ગિરનાર યાત્રા બનશે મોંઘી!” રોપ-વેના ભાડામાં ઝીંકાયો વધારો
જૂનાગઢઃ સતત મોંઘવારીનો માર સામાન્ય જનતા પર પડી રહ્યો છે. હાલ વેકેશન અને તહેવારનો સમય છે, તમામ યાત્રાધામો અને પ્રવાસન સ્થળો પર ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટતા હોય છે ત્યારે ગિરનાર પર રોપવેના ભાડાંમાં વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગિરનાર રોપવેના ભાડામાં 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે રોપ-વેમાં પર્વત પર જવા-આવવા માટે 600 રૂપિયાને બદલે 699 રૂપિયા ચૂકવવા પડશે.
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં આસ્થાનું કેંદ્ર ગણાતા જૂનાગઢના ગિરનાર ખાતે લાખો ભાવિક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે ગિરનાર રોપવેના ભાવમાં 4 વર્ષ બાદ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. જૂનાગઢના ગિરનાર રોપ-વેના ભાડામાં 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે રોપ-વેમાં પર્વત પર જવા-આવવા માટે 600 રૂપિયાને બદલે 699 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્રોજેક્ટ માટે 130 કરોડનો ખર્ચ થયો હતો. ચાર વર્ષમાં આટલી રકમથી વધુ રકમ વસુલ કરી લેવામાં આવી છે. તેમ છતાં રોપવે કંપની દ્વારા ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેની સામે પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ છે.
એકતરફ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે અને આગામી થોડા જ દિવસોમાં લીલી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે, ત્યારે કંપની દ્વારા એકાએક ભાડું રૂ. 600ના 699 કરી નાખવામાં આવ્યા છે. ગિરનાર આવનારા પ્રવાસીઓ પાસેથી વધુ ભાડું ખંખેરવા નવા ભાડાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. . વધતા ખર્ચ અને મેઈન્ટેનન્સની બાબતને ધ્યાનમાં લઈને ઓથોરિટીએ ભાવ વધાર્યો હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકો અને ડોલીવાળાઓ માટેના ભાડામાં કોઈ વધારો કરાયો નથી.