ઘરે ઘરે વિકાસના લાભ ૧૦૦ ટકા પહોંચે તેનો પ્રયાસ કર્યો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વન સેતુ ચેતના યાત્રાનો નવસારીથી પ્રારંભ કરાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે વનવાસીઓને વિકાસના મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ સાથે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરાવી હતી. આઝાદીના અમૃત કાળમાં ભારતને વિકસીત બનાવવા દરેક યોજનામાં જન મનને જોડવા વિકસીત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરાવી છે ઘરે ઘરે વિકાસના લાભ ૧૦૦ ટકા પહોંચે તેનો પ્રયાસ કર્યો છે એવું ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
નવસારી જિલ્લાના ભિનાર ખાતે વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કરાવતા મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, ગુજરાત ના લોકો નસીબદાર છે કે વડા પ્રધાનના વનવાસી કલ્યાણ વિઝનનો લાભ બે દાયકાથી આદિવાસી સમાજના લોકોને મળે છે. તેમની પ્રતિબદ્ધતા, શ્રદ્ધા, દ્રઢનિર્ઘારના પરિણામે ૨૨મી તારીખે અયોધ્યામાં રામ ભગવાન બિરાજશે. ભગવાન રામજીએ જેમના એઠાં બોર ખાધા હતા તે માતા શબરીજી પણ આજ આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતા હતા. વન સેતુ ચેતના યાત્રા વિકાસની ધારાને જન જન સુધી પહોંચડાવાનું સક્ષમ માધ્યમ બનશે તેવો વિશ્ર્વાસ છે. આ યાત્રા ૧૦૦૦ કિમીનું અંતર કાપી ૨૨ જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પૂર્ણ થશે.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યશ્ર અને નવસારીના સાંસદ સી.આર.પાટીલે કહ્યું હતુ કે, સરકાર તો ઘણી આવે છે અને જાય છે, યોજના બનાવે છે પરંતુ નરેન્દ્રભાઇ મોદી વડા પ્રધાન બન્યા પછી યોજના લાભાર્થી સુધી પહોંચે તેવો અમૂલ્ય પ્રયાસ કર્યો છે. આશરે ૨૫ કરોડથી વધુ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. દરેક વર્ગના લોકોને યોજનાનો લાભ મળે અને તેના થકી ગરીબી રેખાથી લોકોને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે આદિવાસી યુવાનો પાયલોટ બની રહ્યા છે.