વાહનવ્યવહાર પ્રધાન સંઘવીની દિવાળીનો લાભ લઇ લૂંટ ચલાવતા ખાનગી બસ સંચાલકોને ચીમકી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: માર્ગ અને વાહન-વ્યવહાર પ્રધાન હર્ષ સંઘવીએ સુરતના અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી તેમાં ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્ર્નોનું સુખદ નિરાકરણ આવતા એક તરફ કર્મચારીઓને શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યા તો બીજી તરફ દિવાળી દરમિયાન લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી ઉઘાડી લૂંટ ચલાવતા કેટલાક લક્ઝરી બસના સંચાલકોને ચીમકી આપી જણાવ્યું હતું કે નાગરિકોની જરૂરિયાતનો ગેરલાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પ્રસંગે હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે એસ.ટી. નિગમ યુનિયનના સૌ અગ્રણીઓ, ફાયનાન્સ અને વાહન-વ્યવહાર વિભાગની કલાકો સુધી ચાલેલી મેરેથોન બેઠકના અંતે આ સુખદ પરિણામ આવ્યું છે અને આજ રોજ સૌ એસ.ટી. નિગમના કર્મચારીઓને હમણાંથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્ર્નો હતા. જે પ્રશ્ર્નોનું નિરાકરણ ન આવતા ફરી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. સાતમા પગારપંચમાં મળવાપાત્ર લાભોથી વંચિત કર્મચારીઓએ લડતના મંડાણ શરૂ કરતા સરકાર હરકતમાં આવી હતી. ગુરુવારે રાજ્ય સરકાર અને એસ.ટી.નિગમના યુનિયન અગ્રણીઓની મળેલી બેઠકમાં સુખદ નિરાકરણ આવતા ખુશીની લાગણી જોવા મળી હતી. જ્યાં આજ રોજ એસ.ટી. નિગમના કર્મચારીઓએ રાજ્યગૃહ પ્રધાન અને સરકારનો આભાર વ્યક્ત કરી તેમનું મોં મીઠું કરાવ્યું હતું.
રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એસટી વિભાગ દ્વારા ગુજરાતના છેવાડાના ગામડા સુધી પહોંચવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. હોળી હોય કે રક્ષાબંધન કે દિવાળી હોય એ તહેવારોમાં નાગરિકો માટે એસટીના કર્મચારીઓ કામ કરી સગવડ સાચવતા હોય છે. તેમની માગણીને લઈ એક સંકલનની બેઠક મળી હતી. બેઠકમાં સરકાર અને કામદાર સંગઠનો સાથે સમાધાન થયું છે. એટલે મુખ્ય પ્રધાનનો આભાર માનવા આ સંગઠનોએ તેમનો સમય પણ માગ્યો છે. તહેવાર સમયે ખાનગી બસોના ભાડા વધતા હોઇ એસટી વિભાગ દ્વારા ૮,૦૦૦ બસોનું સંચાલન થાય છે. તહેવાર સમયે જે જગ્યા પર લોડ હોય ત્યાં વધારે બસો દોડાવવામાં આવતી હોય છે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈ સાત નવેમ્બરથી ૧૧ નવેમ્બર દરમિયાન સુરત ખાતેથી ૨,૨૦૦ એક્સ્ટ્રા બસો વધુ દોડાવવામાં આવશે. સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત તેમજ મહારાષ્ટ્ર જતા લોકોને મુશ્કેલી ન પડે એટલા માટે આ નિર્ણય કરાયો છે. આ સેવાનો લાભ લેવા લોકો ઓનલાઈન ટિકિટ પણ બુક કરાવી શકશે. બીજી તરફ એસટી નિગમનો હેલ્પલાઇન નંબર ૨૪ કલાક શરૂ રહેશે. ભારતીય મજદુર સંઘ, મજૂર મહાસંઘ અને એસટી કર્મચારી મંડળ દ્વારા પડતર માગણી મુદ્દે આંદોલનની ચીમકી અપાઈ હતી. સરકાર દ્વારા માગણી સંતોષવાની બાંહેધરી આપવામાં આવી હતી. રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ પણ કામદાર યુનિયનો સાથે બેઠક કરી હતી. તેથી ત્રણેય યુનિયનો દ્વારા હવે કોઈપણ આંદોલન કરવામાં આવશે નહીં. કર્મચારી સંઘો સરકાર સાથે સમાધાન થતા ફટાકડા ફોડીને હર્ષ સંઘવીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતુ . બીજી તરફ દિવાળીના તહેવારમાં ખાનગી બસોના ભાડા વધી જતાં હોય છે ત્યારે આ મામલે ગૃહપ્રધાને નિવેદન આપતા ખાનગી બસ ઓનર્સને પણ ચીમકી આપી જણાવ્યું હતું કે તમારી સેવા અને વેપાર સારો ચાલે તેમાં કોઈ વાંધો નથી પણ નાગરિકોની જરૂરિયાતનો ગેર લાભ લેવામાં આવશે તો જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. ખાનગી બસ સંચાલકો આવી કોઈ પણ કાળાબજારી કરશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.