સુરતમાં હસતીરમતી બાળકીનું ચોથા માળેથી પટકાતા કરૂણ મોત
સુરતના ડીંડોલીમાં ચોથા માળની બાલ્કનીમાંથી પટકાતા એક 4 વર્ષીય બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે. અંકિતા નામની આ બાળકી ફ્લેટની બાલ્કનીમાં રમી રહી હતી ત્યારે કોઇ કારણે તે નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. ત્યારબાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ હતી જ્યાં તેનું મૃત્યુ થયું હતું. બાળકીના કરૂણ મોતને પગલે પરિવારને માથે જાણે આભ તૂટી પડ્યું છે. તેના માતાપિતા સતત આક્રંદ કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ આ બાળકી જ્યારે બાલ્કનીમાં રમી રહી હતી તે સમયે તેની માતા બીમાર હોવાને કારણે આરામ કરી રહી હતી અને પિતા ઘરકામમાં વ્યસ્ત હતા. બાળકી પટકાતા ભારે બૂમાબમ મચી હતી જેને પગલે પિતા દોડી આવતા પોતાની વ્હાલસોયીને લોહીથી લથપથ હાલતમાં રસ્તા પર પડેલી જોઇ હતી.
જ્યાંથી તેને હોસ્પિટલ લઇ જવાઇ હતી પરંતુ તેનો જીવ બચી શક્યો ન હતો. આ અંગે ડીંડોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. બાળકીનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું.
આ ઘટના પરથી જાણવા મળે છે કે નાની ઉંમરના બાળકોનું સતત ધ્યાન રાખવું કેટલી હદે જરૂરી હોય છે. બાળકોને તેમની હાલત પર છોડી દઇને અન્ય કાર્યોમાં વ્યસ્ત થઇ જતા વાલીઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.