ગુજરાતના મોટા ભાગના હાઈ-વે પર ચક્કાજામઃ જાણો શા માટે
અમદાવાદઃ વર્ષના પહેલા દિવસે જ ગુજરાતના વાહનચાલકો અને હાઈ વે પરથી પસાર થતાં તમામ ટ્રાફિકને લીધે પરેશાન થઈ ગયા છે. સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમો અને કાયદાનો વિરોધ કરવા ટ્રક ડ્રાયવર્સે ચક્કાજામ કરી નાખ્યો છે. અકસ્માતના કાયદામાં ફેરફાર કરી ડ્રાયવરો માટે દંડનીય જોગવાઈના વિરોધમા આ પ્રદર્શન થઈ રહ્યું છે.
રાજ્યમા ઠેર ઠેર ટ્રકો રસ્તા પર પડી ડ્રાયવરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહીસાગર જીલ્લામાં બાલાસિનોર-અમદાવાદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા પર મુકીને રસ્તો બ્લોક કર્યો હતો. ટ્રક ડ્રાઈવરોએ ટાયર સળગાવી, રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકારે લાગુ કરેલો કાયદો પરત લેવા ટ્રક ડ્રાઈવરોની માંગ છે. માંગણી નહી સંતોષ।ય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી ઉચ્ચારી હતી.
સુરતની વાત કરીએ તો અહીં પણ હજીરા વિસ્તારનાં નેશનલ હાઈવે ઉપર ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લગભગ પાંચેક કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ અહીં છે અને પોલીસ દ્વારા હળવો કરવાની કોશિશો થઈ રહી છે.
વડોદરાથી આણંદ, નડિયાદ, નવસારી અને ખેડા જતા રૂટ પર ટ્રકોની લાઈન લાગી હતી. અકસ્માતના કેસમાં ભારે વાહન ચાલકોને દંડની જોઈગાઈ કરતા રાજ્ય સરકારના કાયદા સામે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. કિલોમીટરો સુધી ટ્રકોની લાંબી લાઈન લાગી હતી. ખેડાનાં કનેરાથી લઈને અસલાલી, નારોલ, સુધી રસ્તો ટ્રક ચાલકોએ બ્લોક કર્યો હતો. સરકાર દ્વારા લાગુ કરાયેલા નવા કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. મહેસાણા, અંબાજી, વિસનગર, સિદ્ધપુર ચોકડી વગેરે વિસ્તાોરમાં પણ ડ્રાયવરોએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે અમુક વિસ્તારોમાં પોલીસે પહોંચી ટ્રાફિક રાબેતા મુજબ કરાવ્યાના અહેવાલો છે.