ગુજરાતમાં લાભ પાંચમના શુભ મુહૂર્તમાં વેપારીઓએ વેપાર ધંધાની કરી શરૂઆત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં શનિવારે વેપારીઓ દ્વારા વિધિવત પૂજા કરીને ધંધા રોજગારની શરુઆત કરવામાં આવી હતી. રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, આણંદ સહિતના ટેક્સટાઈલ માર્કેટમાં વેપારીઓએ પૂજા કરીને ધંધા રોજગારની શરુઆત કરી હતી અને ધંધા રોજગારમાં આખું વર્ષ બરકત રહે તેવી પ્રાર્થના કરી હતી.
દિવાળી બાદ શનિવારે લાભ પાંચમના શુભ દિવસે વેપારીઓએ શુભ મુહૂર્તમાં દુકાન ખોલી પૂજા અર્ચના કરી હતી. રાજ્યમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં પણ કાપડના વેપારીઓ દ્વારા શુભ મુહૂર્તમાં દુકાનો ખોલી શાસ્ત્રોકત વિધિ મુજબ પૂજા અર્ચના કરી ધંધા વેપારની શરૂઆત કરાઇ હતી. આગામી સમયમાં લગ્નસરા અને પોંગલ જેવી સીઝનો પણ આવી રહી છે. જે સિઝનમાં પણ વેપારીઓને સારો એવો વેપાર મળે છે. જેથી વેપારીઓને આશા બંધાઇ છે. અમદાવાદમાં કાપડના વેપારીએ જણાવ્યું હતું કે, લાભ પાંચમ પહેલા દિવાળી નિમિતે પૂજા કરી દુકાન મંગલ કરી હતી અને હવે આજે લાભ પાંચમના દિવસે પૂજા કરીને આજે વિધિવત રીતે ધંધા રોજગારની શરુઆત કરી છે. ભગવાનને પ્રાર્થના કરી છે કે આ વર્ષે સારા ઓર્ડરો મળે, ધંધામાં બરકત રહે, આ વર્ષ ખુબ જ સારું જાય.