Surat મેટ્રોની ધીમી કામગીરીથી વેપારીઓ ત્રસ્ત, વળતર મુદ્દે કલેક્ટર કચેરીએ મોરચો માંડ્યો

સુરત : સુરત(Surat)શહેરમાં છેલ્લા લાંબા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેમાં ભાગળ રાજમાર્ગ પર મેટ્રોની ધીમી કામગીરીને કારણે અનેક વેપારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ મુદ્દે વેપારીઓએ અગાઉ પણ કલેક્ટરને રજૂઆત કરી હતી છતા કોઈ નિરાકરણ ન આવતા ફરી એકત્ર થઈ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
વેપારીઓને ધંધો કરવામાં મુશ્કેલી
સુરતમાં છેલ્લા બે વર્ષથી મેટ્રોની કામગીરી થઈ રહી છે. મેટ્રોની લાંબા સમયથી ચાલી રહેલી કામગીરીને કારણે વેપારીઓને ભારે આર્થિક નુકશાન સહન કરવો પડી રહ્યો છે. મેટ્રોની કામગીરીને કારણે અનેક વેપારીઓની દુકાન આગળ બેરીકેડ લગાવી દેવામાં આવ્યા છે. જેના કારણે વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે. દિવાળી સમયે જ્યારે સિઝનનો સમય હોય ત્યારે જ મેટ્રોની કામગીરીને કારણે વેપારીઓને ધંધો કરવામાં મુશ્કેલી પડી રહી છે.
વેપારીઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા
મેટ્રોની કામગીરીને કારણે અસરગ્રસ્ત વેપારીઓને વળતર આપવાનો કરાર થયો હતો. જોકે કરારની મુદ્દત પૂર્ણ થયા બાદ વળતર આપવાનું બંધ કર્યુ છે. આ અંગે વારંવારની રજૂઆત છતા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ વેપારીઓ કરી રહ્યા છે. હાલ સમસ્યાનું નિરાકરણ ન આવતા રોષ સાથે મોટી સંખ્યામાં વેપારીઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ વેપારીઓએ વળતર મુદ્દે વેપારીઓએ મોરચો માંડ્યો હતો અને કલેક્ટરને રજૂઆત કરી હતી. સુરતના કોટ વિસ્તારમાંથી પસાર થતી મેટ્રો માટે મસ્કતી હોસ્પિટલ નજીક મેટ્રો સ્ટેશન બનાવવાની કામગીરી માર્ચ-2023માં શરૂ થઈ હતી. તે સાથે જ મસ્કતી હોસ્પિટલથી મહિધરપુરા પોસ્ટ ઓફિસ સુધીનો માર્ગ બંધ કરી દેવાતા આ વિસ્તારની દુકાનોનો વેપાર-ધંધો ઠપ્પ થઈ ગયા છે. હવે જો વેપારીઓને વળતર નહીં મળે તો દિવાળી પહેલા વેપારીઓની સ્થિતિ ખરાબ થઇ શકે છે.
Also Read –