પોઇચામાં નર્મદા નદી(Narmada)માં ન્હાવા પડેલા સુરતના સાત પ્રવાસી ડૂબ્યાં
રાજપીપળા : હાલ વેકેશનની સિઝન ચાલી રહી છે, ત્યારે પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. નર્મદા જિલ્લાના પોઇચા (Poicha) ખાતે સુરતથી ફરવા આવેલા પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા, જે દરમિયાન ડૂબવા લાગ્યા હતા. જેનો સ્થાનિક નાવિકો દ્વારા એકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય સાતની શોધખોળ ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ અમરેલીના અને હાલ સુરત રહેતા 8 પ્રવાસીઓ નર્મદા જિલ્લામાં આવેલ પ્રવાસન ધામ પોઇચા ખાતે ફરવા આવ્યા હતા. જ્યાં તેઓ નર્મદા નદીમાં ન્હાવા પડ્યા હતા, આ દરમિયાન તેઓ વહેણમાં તણાયા હતા. બચાવો બચાવોની બૂમ પાડવા લગતા સ્થાનિક નાવિકો બચાવવા માટે પાણીમાં ઉતર્યા હતા. જેમાંથી એકનો આબાદ બચાવ થયો હતો. જ્યારે અન્ય સાતની શોધખોળ ચાલી રહી છે.
પાણીમાં ગરકાવ થયેલા કુલ 8 પ્રવાસીમાં 3 નાના બાળકનો સમાવેશ થાય છે. એકના આબાદ બચાવ બાદ અન્ય 7 લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તંત્ર દ્વારા શોધખોળની કામગીરી ચાલુ છે.