Video: બરડા જંગલ સફારીમાં એક સાથે 11 બાળ સિંહ જોવા મળતા પ્રવાસીઓ ખુશખુશાલ…

દ્વારકાઃ બરડા જંગલ સફારીમાં 11 બાળ સિંહ જોવા મળતાં ફરવા આવેલા પ્રવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. સફારી દરમિયાન એકસાથે 11 બાળ સિંહ સહિત 17-18 સિંહનું ટોળું મુક્તપણે વિહરતું જોવા મળ્યું હતું, જે પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય ક્ષણ બની રહી હતી. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ તેમના સોશિયલ મીડિયા પરથી આ વીડિયો શેર કર્યો હતો.
ગત વર્ષે શરૂ કરવામાં આવેલી બરડા જંગલ સફારી માટે આ ઘટના ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રોત્સાહક છે. 143 વર્ષના લાંબા ગાળા બાદ બરડા જંગલમાં સિંહોનો કાયમી વસવાટ સ્થાપિત થયો છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં બાળ સિંહો દેખાતા બરડાની આબોહવા અને જંગલ સિંહોના સંવર્ધન માટે અત્યંત અનુકૂળ હોવાનો સ્પષ્ટ સંકેત મળ્યો હતો.
પોરબંદર નજીક આવેલા બરડા જંગલ સફારી વિસ્તારમાં કુદરતી રીતે સિંહ દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા બાદ તાજેતરમાં એક સાથે મોટી સંખ્યામાં સિંહો જોવા મળ્યા હતા. આ ઘટના વન વિભાગ અને પર્યાવરણવિદો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ સિંહોએ ગીરના વન્યજીવન દબાણમાંથી બહાર આવીને બરડાના શાંત અને સમૃદ્ધ વાતાવરણને અપનાવ્યું છે, જે તેમના માટે અનુકૂળ રહેઠાણ પૂરું પાડે છે. બરડા ડુંગરમાં સિંહોના વસવાટ માટે પ્રાયોગિક ધોરણે એક વર્ષ પૂર્વે સિંહ અને સિંહણની બે જોડી લાવવામાં આવી હતી. તેમને વાતાવરણ અનુકૂળ આવતા હવે બરડા જંગલ સફારીમાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે, જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. પ્રવાસીઓ તેમને જોઈને રોમાંચિત થઈ ઉઠ્યા હતા.
આ પણ વાંચો…અમરેલીમાં વધુ એક સિંહણનું શંકાસ્પદ મૃત્યુ: વન વિભાગે ‘શિકાર’ની કલમ હેઠળ ગુનો નોંધ્યો



