Tourism: માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, સહેલાણીઓને મોજ પડી ગઈ
આબુઃ ગુજરાતને અડીને જ આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં જઈ નવું વર્ષ ઉજવનારા સહેલાણીઓએ ગિફ્ટ મળી છે. ગુજરાતમાં હજુ ઠંડીનો માહોલ જામ્યો નથી, પરંતુ રાજસ્થાનમાં ઠંડીએ ચમકારો બતાવતા આબુમા તાપમાન -1 વન ડિગ્રીએ પહોંચ્યું છે અને ખુલ્લામાં પાર્કિંગ કરેલા વાહનો પર અને બગીચાઓમાં જાણે બરફની ચાદર હોય તેવો નજારો ઊભો થયો છે. જેના લીધે પર્યટકોનું વર્ષ સુધરી ગયું છે અને તેઓ મજા માણી રહ્યા છે.
માઉન્ટ આબુમાં તાપમાન -1 ડિગ્રીએ પહોંચ્યું છે. જેમાં આબુમાં લઘુત્તમ તાપમાન પખવાડિયા બાદ ગગડ્યું છે. ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો, બગીચામાં બરફ જામ્યો છે. તાપમાન ઘટવાના કારણે ઠંડા પવનોમાં વધારો થયો છે. જોકે બે-ત્રણ દિવસથી અસહ્ય ઠંડી પડવાને લીધે સહેલાણીઓએ ગરમ પીણાં પીવા પડે છે અને તાપણાનો સહારો લેવો પડે છે. ઘણા સહેલાણીઓ હોટેલમાં પડ્યા રેહાવનું જ પસંદ કરતા હોય તેમ જણાઈ રહ્યું છે. સતત બે દિવસ જીરો ડિગ્રી નોંધાયા બાદ આજે માઈનસ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગાત્રો થીજાવતી ઠંડીની અસર બનાસકાંઠા જિલ્લામાં પણ વર્તતા લોકોના જનજીવન પર માઠી અસર પડી રહી છે.
આબુ સહેલાણીઓમાં બારેમાસ પ્રિય જગ્યા છે. અહીં દરેક ઋતુમાં સહેલાણીઓની ભીડ જામતી હોય છે. હીલ સ્ટેશન તરીકે વર્ષોથી આ જગ્યા સહેલાણીઓને ખૂબ ગમે છે. નવા વર્ષમાં ખાસ લોકો અહીં સૂર્યાસ્ત અને સૂર્યોદય જોવા આવે છે. માત્ર રાજસ્થાન અને ગુજરાત જ નહીં દેશ વિદેશના સહેલાણીઓનું આ પ્રિય સ્થળ છે.