આપણું ગુજરાત

કચ્છમાં ઠારનું ટોર્ચર શરૂ: નલિયામાં સિંગલ ડિજિટ નવ ડિગ્રી લઘુતમ તાપમાન

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સમગ્ર ઉત્તર ભારતની સાથે રણપ્રદેશ કચ્છ હાલ શીત સકંજાની ચપેટમાં આવી રહ્યું છે. છેલ્લા પખવાડિયાથી ઠંડીમાં મળેલી નોંધપાત્ર રાહત વચ્ચે મહત્તમ અને લઘુતમ તાપમાનનો આંક ગત સાંજ પછી ગણતરીના કલાકોમાં જ પાંચથી સાત ડિગ્રી જેટલો એકાએક ઘટી જતાં ઠંડીના આક્રમણથી જનજીવન ઊંઘતું ઝડપાયું છે.

ભુજમાં આજે લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી સે. સાથે ૫૩ ટકા જેટલા ઊંચા ભેજના કારણે નોંધપાત્ર ઠંડી પડી રહી છે. અધૂરામાંપૂરું ૩૦થી ૩૩ ડિગ્રી વચ્ચે રહેલું મહત્તમ તાપમાન આજે ૨૬ ડિગ્રી સે. જેટલું નીચું આવી જતાં ભરબપોરે પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થવા પામ્યો હતો.

ઉત્તર પૂર્વ દિશા તરફથી પ્રતિકલાકે ૧૧ કિમી.ની ઝડપે ફૂંકાતા ઠંડા પવનો જાણે સમગ્ર કચ્છને ટાઢુંબોળ બનાવી રહ્યા છે.

અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ભેજના પ્રમાણ સાથે ૯ ડિગ્રી સેલ્સિયસ જેટલું સિંગલ ડિજિટ લઘુતમ તાપમાન નોંધાતાં તીવ્ર બની રહેલા ઠારના ટોર્ચરથી જનજીવનને વ્યાપક અસર થવા પામી છે. વહેલી સવારે લોકો ઠેર ઠેર તાપણાં કરતા જોવા મળી રહ્યા છે.

પૂર્વ કચ્છના રાપર અને ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના ગામો જેવાં કે, બાલાસર, લોદ્રાણી, બેલા, લાકડા વાંઢ, વૃજવાણીમાં તાપમાન ૧૧ ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું રહેવા પામતા ભારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે મહત્તમ તાપમાનનો આંક પ્રમાણમાં નીચો હોઈ, ભરબપોરે પણ લોકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો અને બપોરે એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં રહેલાં વેધર એપ્લિકેશનમાં કરન્ટ એટલે કે અત્યારનું તાપમાન માત્ર ૨૩ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું બતાવતું હતું.

મોડી સાંજ પછી તો જાણે સંચારબંધી લદાઈ હોય તેવું જણાઈ રહ્યું છે અને લોકોની અવરજવર પાંખી થઇ જવા પામી છે.

ભારે હિમવર્ષાને પગલે હવામાન વિભાગે ગુજરાતમાં પવનોના સૂસવાટા સાથે ઠંડી હજુ વધવાની આગાહી કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા