શેર બજારમાં ગુજરાતનો ડંકો: દેશમાં Top 10 જિલ્લાઓમાં રાજ્યના ત્રણ જિલ્લાને સ્થાન

અમદાવાદ: સામાન્ય પણે એવું કહેવામાં આવે છે લે ગુજરાતીઓના લોહીમાં જ વ્યાપાર વહે છે. આ સાથે જ કોઈપણ ધંધા કે વ્યવસાયની વાત કરીએ તો ગુજરાતીઓની ભાગીદારી વિનાનો નહિ હોય. આ વાત શેરબજારમાં પણ લાગુ પડે છે, ગુજરાતના ત્રણ જિલ્લાઓ શેરબજારની પ્રવૃતિમાં ભારતમાં ટોપ ટેનમાં છે. ઓગસ્ટના NSE ડેટાના આધારે, અમદાવાદમાં 4.82 લાખ સક્રિય રોકાણકારો હતા, જે દેશમાં દિલ્હી અને મુંબઈ પછી ત્રીજા સ્થાને છે. સુરત 3.6 લાખ સાથે છઠ્ઠા ક્રમે અને રાજકોટ 1.8 લાખ સક્રિય રોકાણકારો સાથે નવમા ક્રમે છે. ટોપ 10માં ત્રણ જિલ્લાઓનું રેન્કિંગ ધરાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત છે.
ટોચના 10 જિલ્લાઓમાં વ્યક્તિગત રોકાણકારોની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો જેમણે અગાઉના મહિનામાં ઓછામાં ઓછા એક વખત વેપાર કર્યો હતો, જેમાં ઓગસ્ટ 2024 માં કુલ 2.2% મહિના-દર-મહિનાના ઘટાડા સાથે 48.2 લાખ થયો હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “મુંબઈએ 2.8% MoMના ઘટાડા સાથે 12.5 લાખ રોકાણકારો સાથે પોતાની પ્રગતિ જાળવી રાખી છે, જ્યારે દિલ્હી-NCR આ મહિના દરમિયાન 11.9 લાખ સક્રિય રોકાણકારો સાથે બીજા સ્થાને રહ્યું. 12.5 લાખ રોકાણકારો સાથે અમદાવાદ ત્રીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રહેલા અમદાવાદમાં 4.8 લાખ રોકાણકારોમાં 0.8% નો વધારો નોંધાયો. જ્યારે રોકાણકારોની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો કોલકાતામાં 4.3% જોવા મળ્યો છે. ત્યારબાદ દિલ્હી-NCR અને પૂણે (-2.9%)નો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં Waqf Board પાસે અધધધ સંપત્તિઓ, સૌથી વધુ અમદાવાદમાં
આ ડેટા સૂચવે છે કે સક્રિય વ્યક્તિગત રોકાણકારોની દ્રષ્ટિએ ટોચના જિલ્લા રહેલા મુંબઈ અને દિલ્હી-એનસીઆરમાં પાછલા મહિનાની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ અમદાવાદમાં રોકાણકારોની સંખ્યામાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. ટોચના 10માં સક્રિય રોકાણકારોમાં નોંધપાત્ર ટકાવારીમાં ઘટાડો ધરાવતા જિલ્લામાં કોલકાતા, દિલ્હી-એનસીઆર અને પૂણેનો સમાવેશ થાય છે.
સ્ટોક બ્રોકિંગ ફર્મના ડિરેક્ટર ગુંજન ચોક્સીએ જણાવ્યું હતું કે, “આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુજરાતમાં ઇક્વિટી માર્કેટના મૂળિયાં ખૂબ ઊંડે સુધી વ્યાપેલા છે. અમદાવાદ, સુરત અને રાજકોટ રોજગારીની તકો સાથે ઝડપથી વિકસતા જિલ્લા તરીકે ઉભરી આવ્યા છે અને રોકાણકારોની સંખ્યા વધુ છે. યુવા રોકાણકારોની ભાગીદારી દ્વારા આ માર્કેટ સંચાલિત થઈ રહ્યું છે.”