દેશમાં સૌથી વધુ કપાસનું વાવેતર કરતું રાજ્ય છે ગુજરાત
સમૃદ્ધ ખેતી એક સમૃદ્ધ દેશ માટે અનિવાર્ય છે. ભારત જેવા ખેતીપ્રધાન દેશ માટે આજે વિશ્વ કપાસ દિવસ છે, ત્યારે ગુજરાતના મુખ્ય પાક પૈકીનો એક પાક કપાસ પણ છે અને એનાથી કરોડોની આવક ખેડૂતો મેળવી રહ્યા છે. દેશમાં સૌથી વધુ કપાસનું વાવેતર ગુજરાતમાં થાય છે. દેશમાં આ વર્ષે 26 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે તેમજ વર્ષે 30 હજાર કરોડ કરતાં વધારે ખેડૂતો કપાસમાંથી આવક મેળવી રહ્યા હોવાની માહિતી મળી છે.
સમગ્ર વિશ્વમાં જે કપાસનું ઉત્પાદન થાય છે એમાં માત્ર ભારત દેશની અંદર જ 25 ટકા જેટલો મબલક ઉત્પાદન થાય છે, આખા વિશ્વની અંદર ભારતનો કપાસ અલગ અલગ સ્વરૂપે પહોંચે છે. ભારતમાં પણ સૌથી વધુ કપાસનું ઉત્પાદન જો કોઈ રાજ્ય કરતું હોય તો એ ગુજરાત છે. ગુજરાતમાં અંદાજે 26 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થાય છે. પરિણામે, દેશમાં સૌથી વધુ કપાસના ઉત્પાદન થકી આવક મેળવતું રાજ્ય પણ ગુજરાત બન્યું છે તેમ એક અહેવાલ જણાવે છે.
ભારતમાં કુલ 3 કરોડ 20 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થાય છે, જેમાં માત્ર ગુજરાતમાં જ 90 લાખ ગાંસડી કપાસનું ઉત્પાદન થઈ રહ્યું છે. છેલ્લા એકાદ વર્ષથી કપાસના ભાવ ખેડૂતોને ઓછા મળી રહ્યા છે ત્યારે સૌ કોઈ આશા સેવી બેઠા છે કે તેમને યોગ્ય ભાવ મળે.