ગુજરાતમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી? વાંચો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી…

અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 7 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડી શરૂ થશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાના કારણે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 10 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં 16.5 ડિગ્રી, ડીસામાં 16.4 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 15.4 ડિગ્રી, રાજકોટમાં 15.8 ડિગ્રી, દીવમાં 15.6 ડિગ્રી, કેશોદમાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો હતો.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન શાસ્ત્રી નિષ્ણાંત પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળે તેવી શક્યતા છે 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. આજે ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં તથા કચ્છમાં કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં ઠંડી પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી તાપમાનનો પારો ગગડી શકે છે. રાજ્યના ઘણા શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે.

બીજી તરફ રાજ્યમાં માવઠાને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. બંગાળના ઉપસાગરમાં 18થી 24 ડિસેમ્બર દરમિયાન હલચલ થાય તેવી આગાહી કરવામાં આવી છે. તો અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધે તેવી શક્યતા છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ માવઠું પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ થવાની તેવી શક્યતા છે.
દેશમાં કેવું રહેશે હવામાન
ભારતીય હવામાન વિભાગે આજે આઠ રાજ્યો માટે ઠંડીની ચેતવણી જારી કરી છે. IMD એ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન આ રાજ્યોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થશે. વિભાગ અનુસાર, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પંજાબ સહિત અનેક રાજ્યોમાં ઠંડીની સંભાવના છે.



