ગુજરાત-મહારાષ્ટ્રમાં બપોરે થઈ રહ્યો છે ગરમીનો અનુભવ, જાણો દેશભરમાં કેવું રહેશે હવામાન…

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાત પર વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો છે. હાલ નાગરિકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. સવારે અને રાત્રે ઠંડી તેમજ બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ધીમે ધીમે મહત્તમ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. અમદાવાદમાં 18.8, ગાંધીનગરમાં 18.5 ડિગ્રી, ડીસામાં 16.3 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 16.3 ડિગ્રી, અમરેલીમાં 16.2 ડિગ્રી, કેશોદમાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 17.8 ડિગ્રી, મહુવામાં 17.3 ડિગ્રી, ભુજમાં 17.2 ડિગ્રી, વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે , 20 ફેબ્રુઆરી પછી ગુજરાતમાં શિયાળો વિદાય લઈ શકે છે. ગુજરાત પાસે લાંબો દરિયાકિનારો છે. પરિણામે, દરિયાઈ ગતિવિધિઓ રાજ્યના આશરે 10 જિલ્લાઓને અસર કરી રહી છે. હિમાલયમાં આ વખતે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે ‘અલ નિનો’ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે.
મહારાષ્ટ્રમાં કેવું રહેશે હવામાન
ફેબ્રુઆરીની શરૂઆતમાં જ મહારાષ્ટ્રમાં ઠંડીનું જોર ઓછું થયું છે અને છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી હોવા છતાં, રાજ્યના કેટલાક ભાગોમાંથી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું ચિત્ર છે. 7 ફેબ્રુઆરીના રોજ મુંબઈ સહિત રાજ્યના અનેક જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થયો છે. વહેલી સવારે હળવી ઠંડી યથાવત રહેશે, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થશે.
દેશભરમાં કેવું રહેશે હવામાન
ભારતીય હવામાન વિભાગ પ્રમાણે, આગામી દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દેશના અનેક રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. દિલ્હી-એનસીઆરમાં આજે હવામાન સ્વચ્છ રહેશે. દિવસે તડકો નીકળશે. 8 અને 9 ફેબ્રુઆરીએ આકાશામાં આંશિક વાદળો છવાયેલા રહી શકે છે. 10-15 દિવસમાં ઠંડીની અસર ગાયબ થઈ જશે.
હિમાચલ પ્રદેશનમાં 8 ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહી શતેછે. 9 થી 11 ફેબ્રુઆરીમાં બરફવર્ષા થઈ શકે છે. ઉત્તરાખંડમાં પણ આજે અને આવતીકાલે કેટલીક જગ્યાએ ધુમ્મસ રહેશે. આ પછી વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. બિહારમાં સવાસના સમયે ધુમ્મસ લોકોની પરેશાની વધારી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં હાલ વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે. 9 થી 11 ફેબ્રુઆરી વચ્ચે ફરીથી વરસાદ અને હિમવર્ષા થશે. 10 ફેબ્રુઆરીએ પવનની સાથે ગાજવીજનું એલર્ટ છે. આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારત અને બિહારમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની આશંકા છે.



