ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસ…

અમદાવાદ/નવી દિલ્હીઃ ગુજરાતમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યો છે. બે દિવસથી લોકો હાડ થીજવતી ઠંડીનો અહેસાસ કરી રહ્યાં છે. રાજ્યભરમાં લઘુતમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું છે. સૌથી ઓછુ નલીયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, અમદાવાદમાં 13.4, ડીસામાં 11 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન, ભુજમાં 11.4, કંડલામાં 10.7 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 14.5, રાજકોટમાં 11.4 ડિગ્રી, કેશોદમાં 12.1, સુરેન્દ્રનગરમાં 12.4 ડિગ્રી, મહુવામાં 14.7 ડિગ્રી, દિવમાં 16 ડીગ્રી તાપમાન, ભાવનગરમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી 5 દિવસોમાં ઠંડી વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. ખાસ કરીને રાત અને સવારના સમયે શીતલહેરનો પ્રભાવ વધુ તીવ્ર બનશે. પર્વતીય વિસ્તારોમાં થઈ રહેલી બરફવર્ષાનો અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે.
મહારાષ્ટ્રમાં હવામાનનો મિજાજ બદલાશે
મહારાષ્ટ્રમાં છેલ્લા છ દિવસ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળો જામતો નહોતો. જોકે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થઈ જતાં સૂકા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. તેની અસરથી તાપમાનમાં ફરી એકવાર ધીમે-ધીમે ઘટાડો થશે, જેના કારણે મહારાષ્ટ્રના અનેક ભાગોમાં લઘુત્તમ તાપમાન ફરીથી 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચવાનું અનુમાન છે. બીજી તરફ, કોંકણ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન ઘટીને 12-14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. મુંબઈ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 8-9 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન 16-18 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.

ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં કડકડતી ઠંડી પડી રહી છે. ઈટાવા સૌથી ઠંડુ રહ્યું હતું. અહીં માત્ર 2.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વારાણસી અને નોયડામાં ધુમ્મસ અને ઠંડીના કારણે ધો. 8 સુધીના વર્ગો 10 જાન્યુઆરી, 2026 સુધી બંધ કરવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના અનેક જિલ્લામાં શીતલહેર ફરી વળી છે. ગ્વાલિયર-ચંબલ સંભાગ સહિત 16 જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. અનેક જગ્યાએ રાતનું તાપમાન 5 થી 7 ડિગ્રી સુધી ઘટ્યું છે. રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આબુમાં માઈનસમાં તાપમાન પહોંચી ગયું છે. જયપુરમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે.
કાશ્મીરના ગુલમર્ગ અને પહલગામ જેવા ઊંચાઈવાળા વિસ્તોરમાં બરફવર્ષા થઈ રહી છે. ઘાટીમાં તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં હળવાથી મધ્યમ બરફવર્ષાનું અનુમાન છે. ઉત્તરાખંડના અનેક વિસ્તારમાં ગ્રાઉન્ડ ફોસ્ટની ચેતવણી આપવામાં આવી છે. જે પાક માટે નુકસાનકારક માનવામાં આવે છે.
રાજધાની દિલ્હીમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે. દિલ્હીમાં મંગળવારે સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. હવામાન વિભા મુજબ, આજે પણ ઠંડી અને ધુમ્મસનો પ્રભાવ જોવા મળશે.
ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ મુજબ 9 અને 11 જાન્યુઆરી સુધી તમિલનાડુ, કેરળ અને માહેમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને તમિલનાડુમાં કેટલીક જગ્યાએ મૂશળધાર વરસાદની પણ શક્યતા છે. હવામાન વિભાગે માછીમારો માટે પણ કડક ચેતવણી જાહેર કરી છે. 11 જાન્યુઆરી સુધી બંગાળની ખાડી, તમિલનાડુ અને આંધ્રપ્રદેશના કિનારે, શ્રીલંકાના કિનારાની આસપાસ તથા અરબી સમુદ્રના કેટલાક ભાગોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.



