Today National Mango Day: સૌરાષ્ટ્રની શાન એવી કેસરના ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો
અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થાય એટલે સૌરાષ્ટ્રની મહેક આખા વિશ્વમાં પ્રસરી જાય. સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ તેમ જ કચ્છ પણ ખરુ. આ મહેક હોય મીઠી મધુરી કેસર કેરીની. રત્નાગિરીની હાફૂસ અને ગીરની કેસર ગુજરાતીઓની પ્રિય અને વિશ્વમાં પણ મબલખ નિકાસ થતી કેરી. આ સિવાય પણ કેરીની અનેકો વેરાયટી દેશભરમાં વેચાઈ છે અને ખવાય પણ છે. આજે આ ફળોના રાજાનો દિવસ એટલે કે નેશનલ મેંગો ડે છે.
૨૨ જુલાઈ એટલે રાષ્ટ્રીય કેરી દિવસ.. ત્યારે આવો જાણીએ ગુજરાત કઈ રીતે કેરીના ઉત્પાદનમાં મોખરે છે.
ગુજરાતમાં બાગાયતી ફળ અને ફૂલોના પાકોનો કુલ વાવેતર વિસ્તાર 4,49,389 હેક્ટર છે, જે પૈકી 1,77,514 હેક્ટર વિસ્તારમાં કેરીની ખેતી કરવામાં આવે છે. ગુજરાતે છેલ્લા એક વર્ષમાં 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષોમાં 2500 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી છે.
ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે આ કેરીને જીઆઇ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયેલ છે.
ગુજરાત રાજ્ય સરકાર પર સક્રિયપણે કેરીની ખેતી અને તેની નિકાસનેપ્રોત્સાહન આપતી રહી છે. ના બાગાયત ખાતા દ્વારા કેરીના ઉત્પાદનને વધારવા માટે ખેડૂતોને ₹15.29 કરોડની આર્થિક સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતની કેરી વિદેશમાં નિકાસ થાય તે માટે બાવળા ખાતે ઈ-રેડિયેશન ફેસિલિટી ઉભી કરવામાં આવી છે. આ પ્લાન્ટ થકી આશરે 210 મેટ્રિક ટન ઇ-રેડિયેટેડ કેસર કેરીની નિકાસ કરવામાં આવી છે.
કેરીના સ્વાસ્થ્યની રીતે પણ ઘણા ફાયદા છે. તો આજે ભલે તમારી થાળીમાં કેરીનો રસ તો નહીં હોય પણ દર વર્ષે ત્રણેક મહિના માટે તમે જે ફળ ખાઈ મજા માણો છો તેની ઉજવણી કરવાનો દિવસ છે.
તો અમને કૉમેન્ટ સેક્શનમાં લખીને મોકલો કેરી સાથેનો તમારો કોઈ મીઠો અનુભવ…