ગુજરાતમાં રાત્રે બાર પછી ગરબા લોકોને ડિસ્ટર્બ કર્યા વગર, લાઉડ સ્પીકર વિના જ રમવાના | મુંબઈ સમાચાર

ગુજરાતમાં રાત્રે બાર પછી ગરબા લોકોને ડિસ્ટર્બ કર્યા વગર, લાઉડ સ્પીકર વિના જ રમવાના

હર્ષ સંઘવીના નિર્ણય પર હાઇ કોર્ટની સ્પષ્ટતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગઇકાલે ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે નવરાત્રિમાં ૧૨ વાગ્યા પછી પણ લોકોને ગરબા રમવા દેવા, અને આ જાહેરાતને તમામ ગરબા આયોજકોએ હોંશે હોંશે વધાવી પણ લીધી હતી. હવે આ મામલે ગુજરાત હાઇ કોર્ટમાં સુનાવણી યોજાઇ હતી જેમાં કોર્ટે કેટલીક સ્પષ્ટતાઓ કરી છે.

ગુજરાતમાં નવરાત્રિ અંગે પહેલા હાઇ કોર્ટે આદેશ આપ્યો હતો કે રાત્રે ૧૨ વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવામાં આવે અને લોકોને ખલેલ પડે તથા ધ્વનિ પ્રદૂષણ થાય તેવા કિસ્સામાં પોલીસે લાઉડ સ્પીકર બંધ કરાવવાની કાર્યવાહી કરવી પડશે. આ જ હુકમનું પાલન ચાલુ રાખવાની ચોખવટ કરતા કોર્ટે જણાવ્યું હતું કે જો કોઇ નાગરિક લાઉડ સ્પીકરથી હેરાનગતિની ફરિયાદ કરે તો પછી પોલીસે બંધ કરાવવાની કાર્યવાહી કરવી પડશે.

જો કોઈ પણ નાગરિક પોલીસ પાસે આવીને ફરિયાદ કરે તો રાત્રે ૧૨ વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય. ઉલ્લેખનીય છે કે, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના નિવેદનથી જ વિવાદ શરૂ થયો હતો. તેમણે આયોજકોને વહેલા ગરબા શરૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે હાઈ કોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં. એવી સોસાયટીઓ કે જ્યાં પારંપરિક રીતે શેરી ગરબા રમાતા હોય અને લાઉડ સ્પીકરનો ઉપયોગ ન થઇ રહ્યો હોય તેવા સ્થળોએ મોડી રાત સુધી ગરબા ચાલુ રાખી શકાશે.

Back to top button