ભ્રષ્ટાચારથી કંટાળી સામાન્ય જનતા નહીં કૉન્ટ્રાક્ટર પણ આપઘાત કરે છે

અમદાવાદઃ મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુરના કોન્ટ્રાક્ટરે આર્થિક સંકડામણને કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કપડવંજના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ તેમનું લગભગ કરોડ રૂપિયાનું બિલ પાસ ન કરતા તેમનો ધંધો બંધ થઈ ગયો હતો. જેના કારણે હતાશામાં આવીને તેમને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવને પગલે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનમાં ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગના કમિશનની ઊંચી ટકાવારીની માંગણીની સાથે કરવામાં આવતી હેરાનગતિને લઇને ભારે રોષ ફેલાયો છે. કોન્ટ્રાક્ટરની આત્મહત્યાના કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદાર સામે પગલાં ભરવા માટે પણ માંગણી કરવામાં આવી છે.
આ અંગેના અહેવાલ અનુસાર મૂળ મહિસાગર જિલ્લાના સંતરામપુર નજીક આવેલા થાંભા ગામના વતની કનુભાઇ પટેલને નડિયાદના માર્ગ અને મકાન વિભાગ ડિવિઝન દ્વારા કપડવંજ પેટા વિભાગમાં રોડ બનાવવાનો સબ કોન્ટ્રાકટ મળ્યો હતો. એપ્રિલ 2023થી જૂન 2023ના સમયગાળા દરમિયાન આશરે સવા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને કામગીરી કરી હતી. તેના બિલ મુક્યા બાદ એક વર્ષ સુધી અધિકારીઓએ પૈસા આપ્યા ન હતા. જેના કારણે અન્ય કામગીરી પર અસર પડી અને નોટિસ આપીને પરેશાન કરવામાં આવતા હતા.
બીજી તરફ કનુભાઇ પાસે સ્ટાફનો પગાર ચૂકવવા માટેના નાણા પણ ખૂટી પડ્યા હતા. જેથી ગત 15મી જૂનના રોજ તેમણે આત્મહત્યા કરી હતી, પણ વાત હવે બહાર આવી છે. તેમણે જે દિવસે આત્મહત્યા કરી તે જ દિવસે તેમણે મુખ્ય પ્રધાનને ને ચિઠ્ઠી લખીને તમામ હકીકત જણાવી હતી. આ અંગે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે કનુ પટેલ 35 વર્ષથી કોન્ટ્રાક્ટર તરીકે માર્ગ અને મકાન વિભાગ સાથે કામ કરતા હતા. તેમણે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે કપડવંજના માર્ગ અને મકાનના પેટા વિભાગના અધિકારીઓ દ્વારા બીલ પાસ કરવાના બદલામાં ઊંચી ટકાવારી માંગવામાં આવી હતી અને તેમને નોટિસ આપીને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા.