પીએમ મોદીના ગાંધીનગર પ્રવાસને પગલે લોખંડી બંદોબસ્ત, 10 આઈપીએસ સહિત 1800 પોલીસકર્મી તૈનાત

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરીના રોજ પાટનગર ગાંધીનગરના મહેમાન બનવાના છે. આ પ્રવાસને પગલે ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને પગલે આવતીકાલથી બે દિવસ માટે પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે. જેમાં 10 આઈપીએસ સહિત 1800 પોલીસકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.
જર્મન પ્રતિનિધિ મંડળ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક
વડાપ્રધાન મોદીના બે દિવસીય પ્રવાસ અન્વયે આવતીકાલે પ્રથમ દિવસે એટલે કે 11 જાન્યુઆરીની સાંજે ગાંધીનગરવાસીઓને મેટ્રોની ભેટ મળશે. નરેન્દ્ર મોદીના હસ્તે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ 12 જાન્યુઆરીના રોજ મહાત્મા મંદિર ખાતે ભારત અને જર્મન પ્રતિનિધિ મંડળ વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં દ્વિપક્ષીય સંબંધો અને રોકાણ અંગે ચર્ચાઓ થવાની શક્યતા છે.
1800 પોલીસ કોન્સ્ટેબલ્સ ખડેપગે
વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહી જાય તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ અંગે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું કે, વડાપ્રધાનના આગમનને લઈ 10થી વધુ આઈપીએસ, 20 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે.આ ઉપરાંત ગ્રાઉન્ડ ફોર્સમાં 50પીઆઈ, 100થી વધુ પીએસઆઈ અને આશરે 1800 પોલીસ કોન્સ્ટેબલ્સ ખડેપગે રહેશે. મેટ્રો સ્ટેશનની નીચે સામાન્ય જનતા પણ આ આધુનિક સુવિધા નિહાળી શકે તે માટે મનપા અને પોલીસના સંકલનથી ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
મહાત્મા મંદિર સુધીનો મુખ્ય રોડ પ્રતિબંધિત રહેશે
વડાપ્રધાનના રૂટ અને કાર્યક્રમના સ્થળોને ધ્યાનમાં રાખીને શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવશે. જે અન્વયે 11 જાન્યુઆરી બપોરે 2થી 12 જાન્યુઆરી સવારે 10 સુધી ‘ચ-0’ સર્કલથી સેક્ટર-30 સર્કલ સુધીનો ‘જ’ રોડ સંપૂર્ણ બંધ રહેશે.ઉપરાંત 12 જાન્યુઆરી સવારે 6થી સાંજે 4 કલાક સુધી ‘ક’ રોડ હોટલ લીલાથી સેક્ટર-13 રેલવે સ્ટેશન ચોકડી સુધીનો માર્ગ બંધ રહેશે. એજ રીતે 12 જાન્યુઆરી સવારે 6થી સાંજે 4 કલાક સુધી ખ-3 સર્કલથી સાંઈ ચાર રસ્તા મહાત્મા મંદિર સુધીનો મુખ્ય રોડ પ્રતિબંધિત રહેશે.
તદુપરાંત શહેરના મહત્વના સર્કલો અને સર્વિસ રોડ પર પાર્કિંગ પર પાબંદી લાદવામાં આવી છે. જે મુજબ અપોલો સર્કલથી અક્ષરધામના મુખ્ય માર્ગ અને સર્વિસ રોડના 50 મીટર સુધીના વિસ્તારમાં વાહન પાર્ક કરી શકાશે નહીં. તેમજ સેન્ટ્રલ વિસ્ટા રોડ મહાત્મા મંદિરથી ટાઉનહોલ અને ઉદ્યોગભવન થઈ અપોલો સર્કલ સુધીના માર્ગો પર પાર્કિંગ સખત મનાઈ છે.
રેલવે મુસાફરોને જરૂરી પુરાવા બતાવવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી
આવતીકાલે 11 જાન્યુઆરી બપોરે 2 વાગ્યાથી 12 જાન્યુઆરી સાંજે 4 વાગ્યા સુધી અપોલો સર્કલ, કોબા સર્કલ અને ચ-0 થી સેક્ટર-30 સુધી ભારે વાહનો પ્રવેશી શકશે નહીં. વૈકલ્પિક માર્ગો તરીકે વાહનચાલકો ચ-રોડ, રોડ નંબર-7, વાવોલ ગામ અને ઉવારસદ માર્ગનો ઉપયોગ કરી શકશે.જોકે રેલવે મુસાફરોને જરૂરી પુરાવા બતાવવા પર પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-223 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ઇમરજન્સી સેવાઓ અને એમ્બ્યુલન્સને આ પ્રતિબંધોમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.



