રાજપીપળામાં મંદિરના બંધ રૂમમાંથી મળી આવી ૪૦ થી વધુ વાઘની ખાલ અને ૧૩૩ નખ!

(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજપીપળાઃ નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાંથી મોટી સંખ્યામાં વાઘના ચામડા અને નખ મળી આવતા વન વિભાગ સહિત સમગ્ર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ હતી.
મળતી વિગતો અનુસાર, મંદિરનું જૂનું મકાન જર્જરિત હોવાથી તેના સમારકામ દરમિયાન રૂમમાંથી અસહ્ય દુર્ગંધ આવતા ટ્રસ્ટીઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. રાજપીપળા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા એક રૂમમાંથી વાઘના ચામડા અને નખથી ભરેલી આખી પેટી મળી આવી હતી. ગુજરાતમાં સંભવતઃ આટલી મોટી માત્રામાં વન્યજીવોના અવશેષો મળી આવવાનો આ પ્રથમ કિસ્સો હોવાનું મનાઈ રહ્યું છે.
આપણ વાચો: ટેક્સિડર્મી: પ્રાણીઓને `જીવંત’ કરતી વૈજ્ઞાનિક કળા
સુત્રોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં પેટીમાંથી વાઘના કુલ 37 આખા ચામડા, 4 ચામડાના ટુકડા અને 133 જેટલા નખ મળી આવ્યા હતા. આ અવશેષો જે સમાચાર પત્રોમાં વીંટાળેલા હતા તે વર્ષ 1992 અને 1993ની સાલના હોવાથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ જથ્થો 35 વર્ષથી પણ વધુ જૂનો હોઈ શકે છે.
વન વિભાગે આ તમામ નમૂનાઓને વધુ તપાસ અને પુષ્ટિ માટે એફએસએલમાં મોકલી આપ્યા હતા. આટલી મોટી સંખ્યામાં લુપ્ત થતા વન્યપ્રાણીના અવશેષો ક્યાંથી આવ્યા અને કોણે સંતાડ્યા તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.



