અમદાવાદમાં નિર્માણાધીન ઇમારતના ૧૩મા માળથી પટકાતાં ત્રણ શ્રમિકનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડિંગ સાઇટ પર ૧૩માં માળથી નીચે પટકાતા ત્રણ શ્રમિકનાં મોત નિપજ્યાં હતાં. મોડી રાતે સાઈટ પર કામ કરવાની પરમિશન હતી. સેફ્ટીનું ધ્યાન રખાયું હતું કે કેમ, તે તમામ સવાલો ઉઠ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે આવેલી નિર્માણાધિન બિલ્ડિંગના ક્ધસ્ટ્રકશન સાઈટ પર મોડી રાત્રે કેટલાક શ્રમિકો કામ કરી રહ્યા હતા. દરમિયાન ૧૩મા માળેથી નીચે પટકાતા શ્રમિકોનાં મોત થયાં છે. તમામને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં શ્રમિકોને મૃત જાહેર કરાયા હતા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી.
મોડી રાત્રે કેવી રીતે આવી ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. કોઇ લાપરવાહીને કે સેફ્ટીના લીધે આ ઘટના બની કે કોઇ અન્ય કારણ જવાબદાર છે, તે હકીકત તો તપાસ બાદ જ સામે આવશે. તમામ શ્રમિકો ઉત્તર પ્રદેશના હોવાનું જાણવા મળ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટી પડી હતી. સાઈટ પર કામ કરી રહેલા સાત શ્રમિકનાં મોત થતાં ભારે હડકંપ મચી ગયો હતો.